IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો
આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉત્કંઠા ચરમસીમાએ છે.
ગતરાત્રે અમદાવાદમાં પંજાબ અને મુંબઈ વચ્ચે રમાયેલ બીજા કવોલિફાયર મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પંજાબે મુંબઈને હરાવી 11 વર્ષ બાદ આઈપીએલની ફાઈનલમાં પ્રવેશ કરતાં હવે આવતીકાલે બેંગલોર અને પંજાબ વચ્ચે ફાઈનલ જંગ ખેલનાર છે.
અમદાવાદના ન.મો. સ્ટેડિયમમાં ફાઈનલના મહામુકાબલા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુકયો છે અને હજારો પ્રેક્ષકો વચ્ચે બન્ને ટીમો વચ્ચે ટક્કર થનાર છે. ફાઈનલ જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોટ ફેવરી મનાય છે આમ છતાં પંજાબની ટીમ અન્ડરડોગ તરીકે ઉભરી આવી છે. ત્યારે ફાઈનલ મેચમાં કોણ મેદાન મારે છે તે તરફ દેશભરના ક્રિકેટ રસિકોની નજર મંડાયેલ છે. અમદાવાદમાં ફાઈનલ મેચને લઈને અનેક રસ્તાઓ વન-વે જાહેર કરાયા છે. તેમજ મેટ્રોનો સમય પણ મોડી રાત સુધીનો કરાયો છે. પોલીસે ખાનગી વાહનોના બદલે મેટ્રોમાં મુસાફરી કરવા સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 18 વર્ષથી બેંગ્લોર કે, પંજાબ બન્નેમાંથી એક પણ ટીમ આઈપીએલની ફાઈનલ મેચ જીતી નથી. તેથી જે ટીમ જીતે તે પ્રથમ વખત ચેમ્પિયન બનશે.