બર્મિંગહામ ટેસ્ટમાં ભારતની જીત દર્શાવે છે કે દિગ્ગજો વિના પણ ટીમ અધૂરી નથી
ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગમના એજબેસ્ટન ગ્રાઉન્ડમાં બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો. ભારત અત્યાર લગી એજબેસ્ટનમાં કદી જીત્યું નહોતું. એજબેસ્ટનમાં રમાયેલી આઠ ટેસ્ટમાંથી ભારત સાત હાર્યું હતું અને એક મેચ ડ્રો રહી હતી તેથી ભારતની જીતની કોઈને આશા નહોતી પણ શુભમન ગિલની યુવા ટીમે બીજી ટીમો નહોતી કરી શકી એ કરીને ઈતિહાસ રચી દીધો. 58 વર્ષમાં બર્મિંગમમાં પોતાનો પહેલો વિજય નોંધાવીને ભારતે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર તો કરી જ પણ પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો વિજય પણ મેળવ્યો. ભારતે અગાઉ 1986માં લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે 279 રને મેળવેલી જીત રનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી જીત હતી.
હવે બર્મિંગમની જીત અત્યાર સુધીની સૌથી મોટી જીત બની છે. ભારતની જીત એ રીતે મહત્ત્વની છે કે, ભારત એકદમ તરોતાજા અને યુવા ખેલાડીઓની બની ટીમની તાકાત પર જીત્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્ત થયા પછી ભારતીય બેટિંગનું શું થશે એવા નિસાસા નખાતા હતા પણ શુભમન ગિલ, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, કોઈના વિના કશું અટકતું નથી. વિરાટ અને રોહિત હતા ત્યારે નહોતી મળી એવી જબરદસ્ત જીત ભારતે મેળવી છે. રોહિત અને વિરાટ જતાં ઝાડ પડયું ને જગા થઈ એવી હાલત છે. બર્મિંગગમની જીત એ રીતે પણ મહત્ત્વની છે કે ભારતે જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડને પછાડયું છે.
બુમરાહ ભારતીય બોલિંગનો કર્ણધાર છે અને અત્યારે જ નહીં પણ ભારતીય ક્રિકેટ ઈતિહાસના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે તેમાં બેમત નથી. છેલ્લા કેટલાંક વરસોથી તો વિદેશની ધરતી પર બુમરાહ જ ભારતને જીતાડતો રહ્યો છે પણ આ વખતે બુમરાહની ગેરહાજરીમાં ભારત જીત્યું એ મોટી વાત છે. ભારત માટે આ સારો સંકેત છે કેમ કે બુમરાહ વિના ભારત જીતી શકે તો બૂમરાહ હોય તો ભારત વર્લ્ડ ચેમ્પિયન પણ બની શકે. ભારતીયોની માનસિકતા ટીમ સ્પિરિટની નહીં પણ વ્યક્તિગત જશ ખાટવાની ને આપવાની છે. બર્મિંગમની જીતમાં પણ એ જ માનસિકતા બતાવીને શુભમન ગિલને હીરો બનાવીને સૌ તેના પર વરસી રહ્યા છે પણ આ જીત માત્ર શુભમન ગિલની નથી. ભારત માટે હકારાત્મક ? વાત એ છે કે ભારતે લોર્ડ્સ પર છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી બે: ટેસ્ટ જીતી છે. હવે બર્મિંગમની જીતનો જુસ્સો ઉમેરાયો છે એ જોતાં ભારત આ સિલસિલો આગળ ધપાવીને સિરીઝમાં : સરસાઈ મેળવી શકે છે.