દુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જીત વીર સૈનિકોને સમર્પિત અને પહેલગામના પીડિતોને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પિત કરી
એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે આ મેચમાં શાનદાર બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન કરીને પાકિસ્તાનને માત આપી હતી.
આ જીત ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે દેશના સશસ્ત્ર દળોને સમર્પિત કરી, જેની સાથે તેણે પહેલગામના પીડિત પરિવારો પ્રત્યે એકતા દર્શાવી. આ મેચ ખાસ હતી કારણ કે તે સૂર્યકુમારના જન્મદિવસે રમાઈ, જેના કારણે આ જીત તેમના માટે વધુ ખાસ બની.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પાકિસ્તાનની ટીમને માત્ર 127 રનમાં સમેટી દીધી. ભારતે આ લક્ષ્યને 25 બોલ બાકી હતા તે પહેલા હાંસલ કરી લીધું હતું, જેમાં સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગનો મહત્વનો ફાળો રહ્યો. તેણે મેચના અંત સુધી બેટિંગ કરીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું, જેની તેમણે હંમેશા ઈચ્છા રાખી હતી. પોસ્ટ-મેચ સેરેમનીમાં ચાહકોના હેપ્પી બર્થડેના નારાઓએ માહોલને ઉત્સાહથી ભરી દીધો, અને સૂર્યાએ આ જીતને પોતાના જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ ગણાવી હતી.
મેચ પછી સૂર્યકુમારે કહ્યું કે આ મેચ તેની ટીમ માટે એક સામાન્ય મેચ હતી, અને તેઓ દરેક વિરોધી ટીમ સામે સમાન તૈયારી સાથે રમે છે. તેણે સ્પિનરોની પ્રશંસા કરી, જેણે મિડલ ઓવર્સમાં મેચ પર નિયંત્રણ રાખ્યું. આ સાથે, તેણે પહેલગામના આતંકી હુમલાના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને કહ્યું કે ટીમ હંમેશા તેના માટે મેદાન પર સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. સૂર્યાએ આ જીતને સશસ્ત્ર દળોની હિંમત અને બલિદાનને સમર્પિત કરી.
ઉલ્લેખનીય છે કે, મેચના ટોસ દરમિયાન સૂર્યકુમારે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ટોસ પહેલા તેણે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી કે તેઓ હાથ મિલાવશે નહીં, અને આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો હતો.
આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પડઘા તરીકે જોવામાં આવે છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે પણ સ્વીકાર્યું હતું કે ટીમ જનતાની ભાવનાઓથી વાકેફ છે, અને આ મેચની તૈયારી તણાવપૂર્ણ માહોલમાં થઈ હતી.
આ મેચ પહેલા એશિયા કપના આ મુકાબલાનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી, જે પહેલગામ હુમલાને કારણે વધુ તીવ્ર બની હતી. ભારતીય ટીમે મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા. સૂર્યકુમારે કહ્યું કે તેઓ આવનારી મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે અને દેશવાસીઓને ગર્વની ક્ષણો આપવાનો પ્રયાસ કરશે. આ જીતે ભારતની ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, અને ચાહકો હવે એશિયા કપમાં વધુ શાનદાર પ્રદર્શનની આશા રાખે છે.
ભારતે એશિયા કપ 2025ના લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક જોરદાર નિવેદન આપ્યું છે. સૂર્યકુમારે પાકિસ્તાન સામેની આ જીત પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત કરી છે. આ સાથે સૂર્યાએ કહ્યું હતું કે આ જીત ભારતીય સેના માટે છે, જે આપણા દેશના પરાક્રમ અને બહાદુરીનું વર્ણન કરે છે. સૂર્યકુમાર યાદવે મેચ પછી કહ્યું હતું કે અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે મજબૂતીથી ઉભા છીએ.
પાકિસ્તાન કેપ્ટન સાથે સૂર્યાએ હાથ મિલાવ્યો નહીં
ભારતીય ક્રિકેટ T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 દરમિયાન ટોસ વખતે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. જે મામલે વિવાદ થતા તેમણે પોતાના નિર્ણયનો બચાવ પણ કર્યો છે. એટલું જ નહીં, મેચ પછી ભારતીય ખેલાડીઓએ પણ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યો ન હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂૂમનો દરવાજો બંધ કરી દીધો. ખરેખર, આ એક પરંપરા છે, જેમાં બંને ટીમના ખેલાડીઓ મેચ સમાપ્ત થયા પછી એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે. એક પત્રકારે સૂર્યકુમારને પૂછ્યું કે શું તમને લાગે છે કે પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવો રમતની ભાવના વિરુદ્ધ છે? આના જવાબમાં સૂર્યાએ કહ્યું કે કેટલીક બાબતો રમતની ભાવનાથી ઉપર હોય છે. જોકે, અગાઉ સૂર્યકુમારે મેચ પછીના સમારોહમાં કહ્યું હતું કે અમે પહલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે પીડિતો સાથે એકજૂટતા વ્યક્ત કરીએ છીએ, આ જીત અમારા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ અમને પ્રેરણા આપતા રહેશે.
પાકિસ્તાની રાષ્ટ્રગીતના બદલે જલેબી બેબી ગીત વાગવા લાગ્યું
પાકિસ્તાન વૈશ્વિક મંચ પર ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું : સેક્ધડોમાં જ ડીજેએ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો. મેચ શરૂૂ થાય તે પહેલા, રાષ્ટ્રગીતની ઔપચારિકતા દરમિયાન એક રમુજી ઘટના જોવા મળી. આ ઘટનાએ પાકિસ્તાન વૈશ્વિક મંચ પર ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું હતું. મેચ પહેલા, બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં હાજર હતા અને ઉદ્ઘોષકે જાહેરાત કરી કે બંને દેશોના રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. પહેલા પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું. બધા ખેલાડીઓ અને દર્શકો ગંભીરતાથી તૈયાર ઉભા હતા. પરંતુ પછી અચાનક ડીજેની ભૂલને કારણે, પોપ ગીત જલેબી બેબી (ટેશર અને જેસન ડેરુલો દ્વારા પ્રખ્યાત ટ્રેક) વાગવા લાગ્યું હતું. આ ભૂલને કારણે દર્શકો અને ખેલાડીઓ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે સેક્ધડોમાં જ ડીજેએ તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગીત બંધ કરીને પાકિસ્તાની રાષ્ટ્રગીત વગાડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચાહકો તેને રમુજી રીતે શેર કરી રહ્યા છે.