એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કર
રાત્રે 8થી પ્રારંભ, 2 ફાસ્ટ બોલર, 3 ઓલ રાઉન્ડર સાથેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ક્રિકેટ એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો આજે યુએઇ સાથે છે. ભારત ગ્રુપ એમાં છે, જેમાં પાકિસ્તાન, યુએઇ અને ઓમાનનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં 3-3 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સાથે અને ત્રીજો મુકાબલો 19 સપ્ટેમ્બરના રોજ ઓમાન સાથે છે.
એશિયા કપ ઝુંબેશ શરૂૂ થાય તે પહેલા ભારતના ખેલાડીઓએ ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, કેપ્ટને એમ પણ કહ્યું હતું કે બેટિંગ અને બોલિંગની સાથે આ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ રહેશે. ભારતના પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશનમાં 2 મુખ્ય ફાસ્ટ બોલર ફિટ થઈ રહ્યા છે, તેમની સાથે 2 સ્પિનરોને સ્થાન મળી શકે છે. દુબઈ અને અબુ ધાબીની પીચો પર સ્પિનર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
ભારત માટે છેલ્લી ઘણી મેચોમાં સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો હતો, પરંતુ હવે એશિયા કપમાં અભિષેક શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. ટીમની જાહેરાત સમયે અજિત અગરકરે કહ્યું હતું કે ગિલ રમી રહ્યો ન હોવાથી સંજુ ઓપનિંગ કરી રહ્યો હતો. લેફટી બેટ્સમેન તિલક વર્મા નંબર ત્રણ પર બેટિંગ કરી શકે છે, આ બેટિંગ ક્રમમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેણે ભારત માટે ઝ20માં 13 વખત આ સ્થાન પર બેટિંગ કરી છે, 169થી વધુની સ્ટ્રાઇક રેટથી 443 રન બનાવ્યા છે. આમાં 2 સદીની ઈનિંગ્સનો સમાવેશ થાય છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. સૂર્યા મોટાભાગની ટી-20 મેચમાં આ સ્થાન પર રમ્યો છે. તેણે 46 વખત ચોથા નંબર પર બેટિંગ કરીને 1609 રન બનાવ્યા છે. આમાં 3 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર મોટી જવાબદારી નિભાવી શકે છે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે તેની પહેલા કોઈ વિકેટકીપર બેટ્સમેન મોકલવામાં આવશે કે નહીં. સંજુ સેમસનને વિકેટકીપર તરીકે તક મળી શકે છે.
હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબે અને અક્ષર પટેલનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શકે છે. અક્ષર ફિલ્ડિંગમાં પણ અદ્ભુત છે. તે લોઅર ઓર્ડરને મજબૂત બનાવશે. શિવમ દુબે મોટા હિટ માટે જાણીતો છે, જોકે કેપ્ટન માટે તેને બોલિંગ કરાવવી મુશ્કેલ છે.
જસપ્રીત બુમરાહ ટીમમાં મુખ્ય બોલર છે, જે કોઈપણ બેટિંગ યુનિટને મુશ્કેલીમાં મૂકી શકે છે. અર્શદીપ સિંહને તેની સાથે બીજા મુખ્ય ફાસ્ટ બોલર તરીકે તક મળી શકે છે. સ્પિનર તરીકે, કુલદીપ યાદવ કરતાં વરુણ ચક્રવર્તીને પ્રાથમિકતા આપી શકાય છે. તેનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું છે. વરુણે 18 T20 મેચોમાં 33 વિકેટ લીધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. તેની સાથે મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ હશે, જે યોગ્ય લાઈન પર બોલિંગ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરૂણ ચક્રવર્તી.