ભારતની ધાકડ ક્રિકેટર સ્મૃતિ મંધાના બની ODI નંબર વન
સ્મૃતિ મંધાનાએ ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડટને પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં, સ્મૃતિએ છ વર્ષ પછી ફરીથી નંબર વનનો તાજ જીત્યો છે.
સ્મૃતિ મંધાના છેલ્લે 2019 માં ICC ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી હતી. ત્યારથી, તે સતત ટોચના 10 માં રહી છે, પરંતુ નંબર વન સ્થાન પ્રાપ્ત કરી શકી નથી. શ્રીલંકામાં તાજેતરમાં યોજાયેલી ત્રિકોણીય ટુર્નામેન્ટમાં તેના શાનદાર પ્રદર્શને તેને ફરીથી ટોચ પર લાવી દીધી છે. આ ટુર્નામેન્ટમાં સ્મૃતિએ 264 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.
દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ લાંબા સમયથી નંબર વન પોઝિશન પર હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની તાજેતરની શ્રેણીમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. તેણે આ શ્રેણીમાં 27 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી, જેના કારણે તેના રેટિંગમાં 19 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બીજી તરફ, સ્મૃતિએ ત્રિકોણીય ટુર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી અને 727 રેટિંગ પોઈન્ટ મેળવ્યા અને વોલ્વાર્ડને પાછળ છોડી દીધા.
સ્મૃતિ મંધાના ટોપ 10 માં એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. તેની ટીમના સાથી જેમિમા રોડ્રિગ્સે પણ ત્રિકોણીય ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રેન્કિંગમાં 15 મા સ્થાને પહોંચી હતી. વળી, કેપ્ટન હરમનપ્રીત કૌર 15મા અને દીપ્તિ શર્મા ઓલરાઉન્ડર રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે.