કહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયું
લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર પછી એજબેસ્ટનની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી ત્યારે લાગેલું કે, શુભમન ગિલની યુવા ભારતીય ટીમ ભૂતકાળની ટીમો કરતાં અલગ ટેમ્પરામેન્ટ ધરાવે છે. લોર્ડ્સ પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં હાર પછી લાગે છે કે, આ ટીમ પાસે ટેમ્પરામેન્ટ છે પણ આ ટેમ્પરામેન્ટનો ઉપયોગ ભૂતકાળની ભૂલોને નહીં દોહરાવવા માટે કરવાની સમજ નથી. લોર્ડ્સમાં બોલરોના જોરદાર પ્રદર્શન પછી ભારત માટે ઐતિહાસિક જીતની તક હતી પણ ભારતીય ટીમના કહેવાતા ધુરંધરોએ બેજવાબદારીભરી બેટિંગ કરીને એ તક વેડફી નાંખી. ભૂતકાળમાં ભારતીય બેટ્સમેન ધીરજથી પિચ પર ટકી રહેવાના બદલે હીરોગીરી કરવાના ચક્કરમાં આઉટ થતા. આપણે ઘણી મેચો એ રીતે હારેલા. લોર્ડ્સમાં પણ એ જ ઈતિહાસનું પુનરાવર્તન થયું ને 193 રન જેવો મામૂલી સ્કોર આપણી ટીમ ચેઝ ના કરી શકી.
ઈગ્લેન્ડના બોલરોએ અસામાન્ય બોલિંગ નથી કરી પણ આપણે સામાન્ય બેટિંગ પણ ના કરી શક્યા તેમાં હારી ગયા. આપણા ટોપ ઓર્ડરના બેટ્સમેન કરતાં તો સાવ પૂંછડિયા નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ વધારે દૃઢ મનોબળવાળા સાબિત થયા. રેડ્ડીએ સવા કલાક ખેંચી કાઢેલા ને 14 રન કર્યા જ્યારે જસપ્રિત બુમરાહ પૂરી 104 મિનિટ અને સિરાજ 64 મિનિટ ઊભો રહ્યો. રેડ્ડી તો ઓલરાઉન્ડર છે એટલે એ ટક્યો તેનું બહુ આશ્ચર્ય નથી પણ બુમરાહ અને સિરાજે બતાવેલા ટેમ્પરામેન્ટને સલામ મારવી જોઈએ. ભારતે 112 રનમાં 8 વિકેટ ખોઈ દીધેલી એટલે સવાસો રનમાં તો પડીકું થઈ જશે એવું લાગતું હતું પણ જાડેજા બાપુ બુમરાહ અને સિરાજની મદદથી છેક 170 રન લગી ખેંચી ગયા.
લંચ પછી પતી જાય એવી લાગતી મેચ ટી બ્રેક પછી પણ ખેંચાઈ ગઈ ને એક તબક્કે તો એવું લાગવા માંડેલું કે, ભારત આ મેચ જીતી શકે છે. સિરાજ જે રીતે ડગ્યા વિના બેટિંગ કરતો હતો ને જાડેજા બાપુ ઠંડે કલેજે જામેલા હતા તેના કારણે મેચ પાછી ભારતના હાથમાં આવી ગયેલી લાગતી હતી. બેન સ્ટોકે મેચ પત્યા પછી કહ્યું કે, પાંચમા દિવસની રમત શરૂૂ થઈ એ પહેલાં પોતે જોફ્રા આર્ચર સહિતના ટીમના ખેલાડીઓને આ મેચના ક્લિપિંગ બતાવીને કહેલું કે, 23 વર્ષ પહેલાં ભારતે લોર્ડ્સ પર જીત મેળવીને કરેલા જશ્નનું પુનરાવર્તન ના થવું જોઈએ. પોતાની ટીમે આ વાતને ગંભીરતાથી લઈને ભારતને ના જીતવા દીધું. લોર્ડ્સ પર ભારત જીત્યું હોત તો કદાચ ફરી એ જ સેલિબ્રેશન જોવા મળી શક્યું હોત.