કાલે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગ
ક્રિકેટ રસિયાઓ ભારતના શ્રેણી વિજય માટે આતુર, નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર તૈયારીઓ પૂર્ણ, ટિકિટોની લાવલાવ
બન્ને ટીમનું હોટેલોમાં કાઠિયાવાડી ઢબે સ્વાગત, શહેરમાં છવાયો ક્રિકેટ ફીવર
રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે મંગળવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી-20 ક્રિકેટ મેચ રમાનાર છે ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ ઉપર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવ્યો છે અને ક્રિકેટ રસિયાઓમા જબરો ક્રિકેટ ફિવર છવાયો છે. પાંચ મેચની સિરિજમા ભારત 2-0 થી આગળ હોવાથી ભારત રાજકોટમા સિરીઝ જીતશે તેવો ક્રિકેટ રસિકોમા ઉત્સાહ પ્રવર્તી રહયો છે જેના કારણે મેચની મોટાભાગની ટિકિટો ચપોચપ વેંચાઇ ગઇ છે.
મેચના પગલે રાજકોટમાં હાલમાં ક્રિકેટ ફીવર છવાયો છે, ગઇકાલે ભારતીય ટીમ રાજકોટ પહોંચી છે અને કાઠીયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટેલની બહાર ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી જયારે ઇંગ્લેન્ડની ટીમ પણ મોડીરાત્રે રાજકોટ આવી પહોંચતા તેનુ પણ કાઠીયાવાડી ઢબે સ્વાગત કરવામા આવ્યુ હતુ.
આજે બંને ભારત અને ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરવા આવશે અને 28મી જાન્યુઆરીએ સાંજે 07:00 વાગ્યે બંને ટીમ વચ્ચે મેચ રમાશે. ભારતીય ટીમને રાત્રિના ડિનરમાં ગુજરાતી તેમજ કાઠીયાવાડી ભોજન પીરસવામાં આવશે. ભારતીય ટીમને બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક, દહીં તીખારી, ખીચડી કઢી જેવા ભોજન પીરસવામાં આવશે તો બીજા દિવસ સવારે નાસ્તામાં ફાફડા, જલેબી, દહીં, પરોઠા સહિતના વ્યંજનો પિરસવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ઝ20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની બંને શરૂૂઆતની મેચ જીતી લીધી છે. આ સિરીઝની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવાનો પ્રયાસ કરશે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી ઘાયલ થયો છે. રિંકુ સિંહ પણ ત્રીજી મેચ માટે હાજર રહેશે નહીં. તેના સ્થાને શિવમ દુબે અને રમનદીપ સિંહને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ધ્રુવ જુરેલ બીજી ટી20 મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ રમણદીપ અથવા દુબેમાંથી કોઈ એકને ટીમમાં સામેલ કરી શકે છે.
ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઇંગ્લેન્ડની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં ઉતરી છે. રવિવારે સાંજે ભારત અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થતા કાલાવડ રોડ પર સૈયાજી હોટલ ખાતે ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઇંગ્લેન્ડ ટીમનો 150 ફૂટ રિંગ રોડ પર આવેલ હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો છે. ખેલાડીઓનું રેડ કાર્પેટ પર તિલક કરી બુકે આપી હાર પહેરાવી કાઠિયાવાડી ઠાઠમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂૂમની અંદર 100 એમબીપીએસ ઈન્ટરનેટ સ્પીડ, જકુઝી બાથ, મીટીંગ રૂૂમ, વન કિંગ સાઈઝ બેડ અને સાઉન્ડ પ્રુફ રૂૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હોટલના દરેક રૂૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ-અલગ ફોટોઝ મૂકવામાં આવી છે. તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પુલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગુજરાતી વાનગીઓ પીરસાઇ
ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચૂક્યા છે માટે તેમને મનપસંદ વાનગીઓ પણ પીરસવા માટે હોટેલ સ્ટાફ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમાં પણ આ વખતે ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે જેમાં સવારે નાસ્તામાં ગાંઠિયા, જલેબી, થેપલા વગેરે વાનગીઓ આપવામાં આવ્યા હતા. જયારે બપોરે સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી અને રાત્રે દહીં તીખારી, વઘારેલો રોટલો, ખીચડી, કઢી, રોટલા, રોટલી પીરસવામાં આવ્યા હતા.