જાપાનને હરાવી ભારત પાંચમી વખત ફાઈનલમાં
નવનીત કૌર-લાલરેમસિયામીયાનો 1-1 ગોલ
ભારતે જાપાનને 2-0થી હરાવીને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ચીન સાથે થશે જેણે પ્રથમ સેમિફાઇનલમાં મલેશિયાને 3-1થી હરાવ્યું હતું. આ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ રાજગીર, બિહારમાં રમાઈ રહી છે અને ભારત અને ચીન વચ્ચે આડે ફાઈનલ મેચ રમાશે. જાપાન સામેની રોમાંચક સેમીફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી. મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતીય ટીમ પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં જાપાનને 4-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચીનને છેલ્લી ત્રણ વખત ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
પરંતુ આ વખતે તે ફાઇનલમાં પ્રવેશવામાં આખરે સફળ રહ્યું છે.