ભારત ફરી એશિયન મહિલા હોકી ચેમ્પિયન, ચીનને 1-0થી હરાવ્યું
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બિહારના રાજગીરમાં ભારત અને ચીન વચ્ચે મેચ રમાઇ હતી, ફરી એકવાર ભારતીય મહિલા ટીમ બાજી મારી અને ચેમ્પિયન બની ગઇ છે. ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતી મહિલા ટીમે ચીનને 1-0થી માત આપી છે. આની સાથે જ હીરેન્દ્ર સિંહના શાસનકાળમાં પોતાનો પહેલા ખિતાબ જીત્યો છે.
દીપિકાએ ત્રીજા ક્વાર્ટરની શરૂૂઆતની મિનિટોમાં ગોલ કર્યો, જેના આધારે બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં આયોજિત મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ફાઇનલમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું, અને ત્રીજી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો. દીપિકાએ પેનલ્ટી કોર્નરમાંથી શાનદાર રિવર્સ હિટ દ્વારા ટૂર્નામેન્ટનો પોતાનો 11મો ગોલ કર્યો. અગાઉ પ્રથમ બે ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો, પરંતુ ભારતે ત્રીજા ક્વાર્ટરમાં એક વખત ગોલ કરીને લીડ મેળવી હતી અને તેને અંત સુધી જાળવી રાખી હતી. ચીને મેચમાં ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું હતું અને પેનલ્ટી કોર્નર જીત્યા હતા, પરંતુ તે ગોલ કરવામાં સફળ રહ્યું ના હતું.
ચીને 48 ટકા સમય માટે કબજો જાળવી રાખ્યો અને 8 વર્તુળમાં પ્રવેશ કર્યો. જ્યારે ભારતે 14 સર્કલ પેનિટ્રેશન કર્યા હતા. નોંધનીય છે કે, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ફાઈનલ પહેલા ભારત અને ચીનની ટીમો આમને સામને આવી ચૂકી છે. આ મેચમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી. આ સંદર્ભમાં, હાલમાં ભારતીય ટીમ ચીન કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. આ સિવાય ભારત અને ચીનની ટીમો ફાઇનલમાં પહોંચવા સુધી સેમિફાઇનલ સહિત કુલ 5-5 મેચ રમી હતી. ભારતે તમામ 5 મેચ જીતી હતી, જ્યારે ચીન માત્ર 4 મેચ જીત્યું હતું.
ભારત અને ચીનના હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ચીનની હોકી મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 47 મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે માત્ર 13 મેચ જીતી છે જ્યારે ચીન 28 મેચ જીત્યું છે. બંને વચ્ચે કુલ 6 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. બંને વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 59 ગોલ કર્યા હતા જ્યારે ચીન દ્વારા કુલ 80 ગોલ થયા હતા.