ફાઇનલમાં વરસાદ પડે તો રિઝર્વ ડેના મેચ રમાશે
ઓછામાં ઓછી 20 ઓવર રમવી ફરજિયાત, વિજેતાનો નિર્ણય ચોક્કસ થશે
ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવા માટે તૈયાર છે. આ મેચ રવિવારે દુબઈના મેદાન પર રમાશે, જ્યાં વિશ્વ ક્રિકેટના બે દિગ્ગજ ટીમો ટાઇટલ માટે ટકરાશે. ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને પરાજય આપી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
જો કે, ક્રિકેટના ઉત્સાહ વચ્ચે, હવામાન પણ એક મોટો પડકાર બની શકે છે. ફાઇનલ મેચ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેના કારણે મેચની મજા બગડી શકે છે. પરંતુ આઇસીસીએ વરસાદથી અસરગ્રસ્ત ફાઇનલ માટે પહેલેથી જ નિયમો બનાવી દીધા છે, જેથી રમત કોઈપણ અવરોધ વિના ચાલુ રહે.
જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે તો મેચને ઓછી ઓવરોની કરી શકાય છે. ICCના નિયમો અનુસાર, ફાઇનલ મેચમાં ઓછામાં ઓછી 20 ઓવર રમવી જરૂૂરી છે. એટલે કે, દરેક ટીમને ઓછામાં ઓછી 20-20 ઓવર રમવાની તક મળશે. વરસાદના કારણે ઓવરોમાં ઘટાડો મેચના નિર્ધારિત સમય પછી જ શરૂૂ થશે.
જો વરસાદના કારણે 9 માર્ચ, રવિવારના રોજ ફાઇનલ મેચ રમાઈ ન શકે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. ICCએ આ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. 10 માર્ચ, સોમવાર ફાઇનલ મેચ માટે અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. જો રવિવારે મેચ શક્ય ન હોય તો, તે રિઝર્વ ડે પર રમાશે.
જો તમામ પ્રયાસો છતાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ડ્રો અથવા ટાઈ થાય છે, તો વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવશે. સુપર ઓવરના નિયમો એકદમ સીધા છે. બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક મળે છે, અને જે ટીમ વધુ રન બનાવે છે તે વિજેતા બને છે.
ટીમ ઈન્ડિયાએ ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, જે ફાઇનલમાં તેમના મનોબળને વધારશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેમની તમામ મેચો જીતી હતી.ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ વરસાદથી પ્રભાવિત થાય કે નહીં, ICCએ ખાતરી કરી છે કે વિજેતાનો નિર્ણય ચોક્કસપણે થશે. રિઝર્વ ડે અને સુપર ઓવરના વિકલ્પો સાથે, ક્રિકેટ ચાહકોને એક પૂર્ણ મેચ જોવા મળશે અને ચેમ્પિયન ટીમ નક્કી થશે.