સફેદને બદલે કાળા મોજા પહેરવા બદલ ગિલને ICC ફટકારશે દંડ
ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે હેડિંગ્લી ટેસ્ટ દરમિયાન શાનદાર સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂૂઆત કરી હતી, પરંતુ આ સમય દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેર્યા હતા, જ્યારે ટેસ્ટ મેચોમાં સફેદ મોજાં પહેરવાનો નિયમ છે. આ નિયમ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો છે, જે ક્રિકેટના નિયમો નક્કી કરે છે.
હવે શુભમન ગિલને ડ્રેસ કોડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ICCના રોષનો સામનો કરવો પડી શકે છે. કપડાં અંગે આઈસીસી નિયમ 19.45 જણાવે છે કે ખેલાડીએ ટેસ્ટ મેચ દરમિયાન સફેદ ડ્રેસ, ક્રીમ અથવા આછા ભૂરા રંગના મોજા પહેરવા જોઈએ, પરંતુ શુભમન ગિલે કાળા મોજા પહેર્યા હતા, જે આઈસીસી નિયમોનું ઉલ્લંઘન છે. આ નિયમ મે 2023માં લાગુ કરવામાં આવ્યો હતો.રેફરી રિચી રિચાર્ડસન આ બાબતની નોંધ લે અને તેણે ઇરાદાપૂર્વક આવું કર્યું છે તો શુભમન ગિલને લગભગ 10થી 20 ટકા દંડ ભરવો પડી શકે છે. જો કે, જો શુભમન ગિલનો નિર્ણય આકસ્મિક હતો અથવા તેણે તેના સફેદ મોજા ભીના હોવાને કારણે આવું કર્યું હોય, તો તે દંડથી બચી શકે છે, પરંતુ તે મેચ રેફરી પર આધાર રાખે છે.