ICCનો BCCIને ઝટકો, WTCની ફાઇનલ ભારતમાં નહીં રમાડવામાં આવે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જાહેરાત કરી છે કે આગામી ત્રણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલનું આયોજન ઇંગ્લેન્ડને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણય સાથે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની 2027 ની ફાઇનલ ભારતમાં યોજવાની યોજના ઓછામાં ઓછા 2031 સુધી બરબાદ થઈ ગઈ છે. અત્યાર સુધી યોજાયેલી ત્રણેય WTC ફાઇનલ ઇંગ્લેન્ડમાં જ રમાઈ છે, અને હવે 2027, 2029 અને 2031 ની ફાઇનલ પણ ઇંગ્લેન્ડની ધરતી પર જ યોજાશે.
ICC એ એક સત્તાવાર નિવેદન દ્વારા પુષ્ટિ કરી છે કે, WTC ફાઇનલની સફળ ત્રણ આવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, ICC એ પુષ્ટિ આપી છે કે 2027, 2029 અને 2031 માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનું આયોજન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને સોંપવામાં આવી રહ્યું છે.
અગાઉની WTC ફાઇનલ્સની વાત કરીએ તો 2021 માં, ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના રોઝ બાઉલ સ્ટેડિયમમાં યોજાઈ હતી, જ્યાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવી ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ, 2023 ની ફાઇનલ ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને 209 રનથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તાજેતરમાં 2025 માં યોજાયેલી ફાઇનલ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા પર 5 વિકેટથી જીત મેળવી હતી.
નોંધનીય છે કે, ક્રિકેટ નિષ્ણાતો અને ઘણા ખેલાડીઓએ એવી માંગ કરી હતી કે WTC ફાઇનલ એશિયન પીચો પર યોજવામાં આવે જેથી તેને વધુ સ્પર્ધાત્મક બનાવી શકાય અને તેમાં વિવિધતા આવે. BCCI એ પણ 2027 ની ફાઇનલનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જોકે, ICC દ્વારા આ માંગને નકારી કાઢવામાં આવી છે, અને તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે જો ભારત ફાઇનલમાં ન પહોંચે, તો ફાઇનલ જોવા આવતા ચાહકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. ઉપરાંત, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો પણ BCCI ની માંગ નકારવામાં એક પાસું હોઈ શકે છે.