ટીમ ઇન્ડિયાને મેચ ફીના 10 ટકા દંડ ફટકારતી ICC
ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. વનડે સિરીઝમાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ટીમ પર મેચ ફીના 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમને આ સજા મળી છે.
એમિરેટ્સ ICCએલીટ પેનલ ઓફ મેચ રેફરીના સભ્ય રિચી રિચર્ડસને આ સજા એટલા માટે સંભળાવી, કારણ કે ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયમાં બે ઓવર ઓછી ફેંકી હતી. આ કાર્યવાહી ICCના આચાર સંહિતાના અનુચ્છેદ 2.22 હેઠળ કરવામાં આવી છે, જે લઘુત્તમ ઓવર-રેટ ઉલ્લંઘન સાથે જોડાયેલા મામલાઓ પર લાગુ થાય છે.
નિયમો અનુસાર, નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવાના કારણે ખેલાડીઓ પર પ્રતિ ઓવરના દરે 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. ભારતે બે ઓવર ઓછી ફેંકી હોવાના કારણે મેચ ફીના 10 ટકા દંડ લાગુ થયો. ભારતીય ટીમના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂૂરિયાત રહી નહોતી.