T-20માં સૂર્યકુમાર યાદવના બદલે શુભમન ગીલને કમાન સોંપો: ગાંગુલી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 સીરીઝ સમયે જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન અને પૂર્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ એક મોટું નિવેદન આપ્યું છે. ગાંગુલીનું માનવું છે કે હવે સમય પાકી ગયો છે કે T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવને બદલે યુવા ઓપનર શુભમન ગિલને કેપ્ટન બનાવવો જોઈએ. એટલું જ નહીં, ’દાદા’ એ તો ત્યાં સુધી સૂચન કર્યું છે કે ગિલને માત્ર T20 જ નહીં પરંતુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન-ડે અને ઝ20) ની જવાબદારી સોંપવી જોઈએ.
સૌરવ ગાંગુલીએ પોતાની વાતના સમર્થનમાં 3 મહિના પહેલાના ઇંગ્લેન્ડ પ્રવાસનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ગિલના વખાણ કરતા કહ્યું કે, "રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી દિગ્ગજોની ગેરહાજરીમાં ગિલે જે રીતે યુવા ટીમનું નેતૃત્વ કર્યું તે કાબિલેદાદ હતું. તેણે માત્ર કેપ્ટન્સી જ નહીં, પરંતુ બેટિંગમાં પણ કમાલ કરી બતાવી હતી." ઉલ્લેખનીય છે કે તે ટેસ્ટ શ્રેણીમાં ગિલે 750 રન ખડક્યા હતા અને 4 સદીઓ ફટકારી હતી. વિદેશી ધરતી પર દબાણ વચ્ચે આવું પ્રદર્શન તેની પરિપક્વતા દર્શાવે છે.
હાલમાં ભારતીય ટીમ ’સ્પ્લિટ કેપ્ટન્સી’ (અલગ ફોર્મેટ, અલગ કેપ્ટન) ની પદ્ધતિ પર ચાલી રહી છે, ત્યારે ગાંગુલી ગિલને એકમાત્ર લીડર તરીકે જુએ છે. તેમણે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, જે ખેલાડીએ છેલ્લા ક્વાર્ટરમાં આટલું શાનદાર પ્રદર્શન કર્યું હોય, તેને અમુક મેચની નિષ્ફળતાના આધારે જજ કરવો યોગ્ય નથી. ગાંગુલીએ ઉમેર્યું કે, "કેપ્ટન તૈયાર કરવામાં કોઈ રોકેટ સાયન્સ નથી હોતું. બસ યુવા ખેલાડી પર ભરોસો મૂકવાની અને તેને પૂરતો સમય આપવાની જરૂૂર હોય છે. ગિલને કેપ્ટન તરીકે સેટ થવા માટે સમય અને સમર્થન મળવું જોઈએ."