હું નિવૃત્તિ લઇ રહ્યો નથી, ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખીશ: રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા વન-ડેમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ રમવાનું ચાલુ રાખશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. મેચ પછી નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા, રોહિતે કહ્યું કે ભવિષ્યની કોઈ યોજના નથી; જે કંઈ ચાલી રહ્યું છે તે ચાલુ રહેશે. તેણે કહ્યું કે હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.
રોહિતની કેપ્ટનશીપ હેઠળ, ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ-2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી, રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી-2025નો ખિતાબ જીત્યો. આ સાથે રોહિતે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી પણ કરી લીધી છે. ધોની પછી તે એક કરતા વધુ ICC ટ્રોફી જીતનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો છે.
દરમિયન રોહિત શર્માના કોચ દિનેશ લાડે પણ જણાવ્યુ હતુ કે, રોહિત શર્મા હજુ એકદમ ફિટ છે. તે હજુ બે વર્ષ સુધી નિવૃત નહીં થાય મને એ સમજાતુ નથી કે, લોકો રોહિતની નિવૃતિ પાછળ કેમ પડયા છે.દિનેશ લાડએ જણાવ્યુ હતુ કે, રોહિત અને વિરાટ બંનેમાં ક્રિકેટ બાકી છે અને તેઓ બે વર્ષ વધુ રમી શકે છે. હાલમાં ટીમ ઇન્ડિયા પાસે આ બે ખેલાડી જેવો સિનિયરોનો વિકલ્પ નથી. હાલના યુવા ખેલાડીઓને અનુભવની જરૂર છે.