KKR સામે 110 રનથી ભવ્ય વિજય સાથે હૈદરાબાદનું IPLને ગુડબાય
39 બોલમાં હેનરિક કલાસેને ફટકારી IPLના ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી સદી
IPL 2025 મા સનરાઈઝર્સ હૈદરાબાદ એ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 110 રનથી ભવ્ય વિજય મેળવીને પોતાની સિઝનનો વિજયી અંત કર્યો છે. હેનરિક ક્લાસેનની આક્રમક સદી અને ટ્રેવિસ હેડ તેમજ અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ્સે હૈદરાબાદને 278 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી. જવાબમાં, કોલકાતાની ટીમ હૈદરાબાદના બોલરો જયદેવ ઉનડકટ, હર્ષ દુબે અને ઈશાન મલિંગાના શાનદાર પ્રદર્શન સામે ટકી શકી નહોતી.
IPL 2025 મા સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરીને 110 રનથી એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે, હૈદરાબાદે આઈપીએલની 18મી સિઝનનો વિજયી અંત કર્યો છે, ભલે બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા (16 બોલમાં 32 રન) અને ટ્રેવિસ હેડ (40 બોલમાં 76 રન) એ ટીમને વિસ્ફોટક શરૂૂઆત અપાવી હતી. ત્યારબાદ, હેનરિક ક્લાસેન અલગ જ અંદાજમાં જોવા મળ્યો. તેણે માત્ર 39 બોલમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 105 રનની વિસ્ફોટક અણનમ સદી ફટકારી, જે હૈદરાબાદ માટે સૌથી ઝડપી સદી હતી અને IPL ઇતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી પણ હતી. ઈશાન કિશને (20 બોલમાં 29 રન) અને અનિકેત વર્માએ (6 બોલમાં અણનમ 12 રન) પણ યોગદાન આપતા, હૈદરાબાદે 3 વિકેટે 278 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે IPL ટુર્નામેન્ટનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. અગાઉના બે સૌથી મોટા સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ હૈદરાબાદના નામે હતો.
279 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ રન બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ હૈદરાબાદના બોલરો સામે તેઓ ટકી શક્યા નહીં. જયદેવ ઉનડકટ, હર્ષ દુબે અને ઈશાન મલિંગાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું જયદેવ ઉનડકટે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હર્ષ દુબેએ પણ 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી હતી. ઈશાન મલિંગાએ 3.3 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ મેળવી હતી.
કોલકાતા તરફથી મનીષ પાંડેએ સર્વોચ્ચ 37 રન (23 બોલમાં) બનાવ્યા હતા, જ્યારે હર્ષિત રાણાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહીં અને કોલકાતાની ટીમ 18.4 ઓવરમાં 168 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ, અને 110 રનથી મેચ હારી ગઈ .