દિલધડક મેચ, છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે લખનૌને હરાવ્યું
નિકોલસ પૂરન અને મિશેલ માર્શની તોફાની ઈનિંગ કામ ન આવી, આશુતોષ શર્માની શાનદાર દેખાવ સાથે વાપસી, કેપ્ટન ઋષભ પંત સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો
2025ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે છેલ્લા બોલ સુધી લડીને લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમના VDCA સ્ટેડિયમમાં સોમવારે, સાંજે રમાયેલી આ સિઝનની ચોથી મેચમાં વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિકોલસ પૂરન અને મિશેલ માર્શની તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં દિલ્હી કેપિટલ્સે માત્ર 7 રનમાં 3 વિકેટ અને 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હોવા છતાં આશુતોષ શર્માના જોરદાર પ્રદર્શનથી જોરદાર વાપસી કરી અને છેલ્લી ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
આ મેચમાં આશુતોષ શર્માએ ફરી એકવાર પોતાનો ફિનિશર અવતાર બતાવ્યો. ગત સિઝનમાં પંજાબ કિંગ્સ માટે રમતી વખતે શશાંક સિંહ સાથે મળીને ઘણી મેચોને શાનદાર રીતે પૂરી કરનાર આ ખેલાડીએ નવી સિઝનની પ્રથમ મેચમાં પણ તે જ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. આ વખતે ટીમ નવી હતી પરંતુ તેની સ્ટાઈલ એ જ હતી અને તેના જ આધારે તેણે દિલ્હીને તેના આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી જીત અપાવી હતી.
લખનૌએ આપેલા 210 રનના લક્ષ્યના જવાબમાં દિલ્હીની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. મેગા ઓક્શનમાં કોઈ પણ ટીમ દ્વારા નકારવામાં આવેલા શાર્દુલ ઠાકુરને મોહસીન ખાનની ઈજાને કારણે આ સિઝનમાં રમવાની તક મળી અને આ બોલરે પહેલી જ ઓવરમાં લખનૌ માટે બેવડી સફળતા મેળવી હતી. ત્યારબાદ બીજી ઓવરમાં ત્રીજી વિકેટ પણ પડી ગઈ અને થોડી જ વારમાં દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. માત્ર 40 બોલમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીની હાર લગભગ નિશ્ચિત જણાતી હતી, પરંતુ આશુતોષ શર્માના ઇરાદા કંઈક અલગ જ હતા.
7મી ઓવરમાં મેદાનમાં આવેલા આશુતોષે શરૂૂઆતમાં સંયમ જાળવ્યો અને ટ્રિસ્ટન સ્ટબ્સને હુમલો કરવાની તક આપી. સ્ટબ્સે પણ માત્ર 22 બોલમાં 33 રન બનાવીને ટીમને હરીફાઈમાં ટકાવી રાખી હતી. પરંતુ મેચનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે વિપરાજ નિગમ બેટિંગ માટે આવ્યો. આ 20 વર્ષના સ્પિન ઓલરાઉન્ડરે પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 15 બોલમાં 39 રન ફટકારીને દિલ્હીની વાપસીનો મજબૂત પાયો નાખ્યો હતો. આનાથી આશુતોષને પણ પ્રોત્સાહન મળ્યું અને પછી આ બેટ્સમેને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂૂ કરી દીધો હતો. દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 39 રનની જરૂૂર હતી અને આશુતોષે એકલા હાથે મેચને પલટી નાખી હતી.
19મી ઓવરમાં 9મી વિકેટ પડ્યા બાદ દિલ્હીને જીત માટે 9 બોલમાં 18 રનની જરૂૂર હતી. આવી સ્થિતિમાં આશુતોષે 19મી ઓવરને સિક્સ અને ફોર સાથે પૂરી કરીને દિલ્હીને જીતની નજીક પહોંચાડી દીધું હતું. છેલ્લી ઓવરમાં જીત માટે 9 રનની જરૂૂર હતી અને પ્રથમ બોલ પર રિષભ પંતે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી હતી. ત્યારબાદ બીજા બોલ પર એક રન બન્યો અને આશુતોષ સ્ટ્રાઈક પર આવ્યો. જીત માટે 5 રનની જરૂૂર હતી અને આશુતોષે સીધો સિક્સ ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો.
આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સની શરૂૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. ઓપનર એડન માર્કરામ જલ્દી આઉટ થયા બાદ પણ મિશેલ માર્શ (72) અને નિકોલસ પૂરન (75)એ દિલ્હીના બોલરોને ખૂબ પરેશાન કર્યા હતા. બંનેએ માત્ર 42 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. માર્શે તો માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને 36 બોલમાં 72 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પૂરને 24 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને તે 30 બોલમાં 75 રન બનાવીને અંતે આઉટ થયો હતો. આ દરમિયાન પૂરને એક જ ઓવરમાં સતત 4 સિક્સ અને 1 ફોર પણ ફટકારી હતી. જોકે, કેપ્ટન ઋષભ પંત આ મેચમાં સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો અને 6 બોલમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. અહીં દિલ્હી કેપિટલ્સે શાનદાર પુનરાગમન કર્યું અને લખનૌના મધ્યમ અને નીચલા ક્રમને ઝડપથી આઉટ કરી દીધો હતો. મિચેલ સ્ટાર્કે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવે પણ કરકસરભરી બોલિંગ કરીને 2 વિકેટ લીધી હતી. ઇનિંગના છેલ્લા બે બોલમાં ડેવિડ મિલરે સતત બે સિક્સર ફટકારીને ટીમને 209 રન સુધી પહોંચાડી હતી, પરંતુ આ સ્કોર પણ દિલ્હીને જીતથી રોકી શક્યો નહીં. આ મેચ આઈપીએલ 2025ની સૌથી રોમાંચક મેચોમાંથી એક બની રહી.
નિકોલસ પૂરન T-20 ક્રિકેટમાં 600 છગ્ગા ફટકારનાર ચોથો બેટ્સમેન
નિકોલસ પૂરન તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ સામે કમાલની બેટિંગ કરી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના વિકેટકીપર-બેટ્સમેન નિકોલસ પૂરને સોમવારેT-20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (ડીસી) સામે રમાયેલી મેચ દરમિયાન, પૂરણ ટી20 ક્રિકેટમાં 600 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો. આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે પૂરનને એક છગ્ગાની જરૂૂર હતી. તેણે સાતમી ઓવરના ત્રીજા બોલ પર વિપરાજ નિગમના બોલ પર લાંબી સિક્સર ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. અને આ સાથે પુરન ગેલ, કિરોન પોલાર્ડ, રસેલના ક્લબમાં પ્રવેશ્યો છે. ક્રિસ ગેલે 463 મેચમાં 1056 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે કિરોન પોલાર્ડે 695 મેચમાં 908 છગ્ગા ફટકાર્યા છે. રસેલે 539 મેચોમાં 733 છગ્ગા ફટકાર્યા છે. પૂરને 385મી મેચમાં 600 છગ્ગા પૂરા કર્યા. ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે 449 મેચોમાં 525 છગ્ગા ફટકાર્યા છે.
-