ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં ગુજ્જ્જુ ક્રિકેટરોનો દબદબો
ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારો દેશ પણ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સંયુક્ત જીતી હતી, પછી 2013માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી જીતી હતી.
ભારતની જીતમાં આખી ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો પરંતુ એમાં પણ ત્રણ ગુજરાતીઓએ મોટું યોગદાન આપ્યું હતું.અક્ષર પટેલ આખી ટુર્નામેન્ટમાં બોલિંગ અને બેટિંગમાં ટીમ માટે મદદરૂૂપ સાબિત થયો હતો. ફિલ્ડિંગમાં પણ તેણે કેટલાક શાનદાર કેચ ઝડપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ટુર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ સેમિ ફાઇનલમાં યાદગાર દેખાવ કર્યો હતો અને ફાઇનલમાં પણ તેણે ઝડપથી રન બનાવી ટીમ પરથી દબાણ ઓછું કરી આપ્યું હતું. આમ ગુજરાતીઓના ઓલરાઉન્ડ દેખાવના સહારે ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી ઊંચકી શકી છે.
ટ્રોફી મળ્યા બાદ ત્રણેય ગુજરાતી ખેલાડીઓએ મેદાન પર બેસી જઈને ફોટો પડાવ્યો હતો. હાર્દિક, અક્ષર અને જાડેજા સફેદ બ્લેઝરમાં મેદાન પર બેસી ઉજવણી કરતાં દેખાયા હતા. તેઓની સાથે શુભમન ગિલ પણ જોડાયો હતો. રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા અને દીકરી નિધ્યાના સાથે ફોટો પડાવ્યો હતો. વિકેટકીપર ઋષભ પંત પણ જાડેજાની દીકરી સાથે રમતો જોવા મળ્યો હતો.