ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં સાત ટકાનો ધરખમ વધારો
વિમ્બલ્ડનના યજમાન ઓલ ઈંગ્લેન્ડ ક્લબના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ઈનામી રકમ વધારીને રેકોર્ડ 53.5 મિલિયન પાઉન્ડ (લગભગ 6.23 અબજ રૂૂપિયા) કરવામાં આવી છે, જેમાંથી સિંગલ્સ કેટેગરીના વિજેતાઓને ત્રણ મિલિયન પાઉન્ડ (લગભગ 34.93 કરોડ રૂૂપિયા) મળશે. આ રકમ ગયા વર્ષ કરતાં સાત ટકા અને 3.5 મિલિયન પાઉન્ડ વધુ છે. આ રકમ 10 વર્ષ પહેલા આ ગ્રાસ-કોર્ટ ગ્રાન્ડ સ્લેમમાં સ્પર્ધકોને મળેલી રકમ કરતાં બમણી છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના પ્રમુખ ડેબોરાહ જેવન્સે જણાવ્યું હતું અમે આ વર્ષે અગાઉની ઇવેન્ટની સરખામણીમાં લગભગ સાત ટકાનો વધારો કર્યો છે.
આ વર્ષના પુરુષ અને મહિલા વર્ગના વિજેતાઓને ગયા વર્ષના ઈનામો કરતાં 11.1 ટકા વધુ રકમ મળશે. સિંગલ્સના પહેલા રાઉન્ડમાં હારી જનારા ખેલાડીઓને 66,000 પાઉન્ડ (લગભગ 76 લાખ રૂૂપિયા) મળશે, જે ગયા વર્ષ કરતાં 10 ટકા વધુ છે. વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ, વિમ્બલ્ડન, 30 જૂનથી શરૂૂ થશે જ્યારે તે 13 જુલાઈના રોજ સમાપ્ત થશે.