ગિલના 269 રન, ભારતીય બોલરોની શાનદાર શરૂઆત, ઈંગ્લેન્ડ 77/3
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો 587 રનનો વિશાળ સ્કોર, જાડેજાની 89 રનની ઈનિંગ
બર્મિંગહામ ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડની ટીમ હજુ પણ પ્રથમ ઇનિંગમાં 510 રનથી પાછળ છે. શુભમન ગિલની બેવડી સદીને કારણે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જો રૂૂટ અને હેરી બ્રુકે ઇંગ્લેન્ડ માટે કમાન સંભાળી છે.
બીજા દિવસે ભારતીય ટીમે પાંચ વિકેટના નુકસાન પર 310 રનથી પોતાનો સ્કોર આગળ ધપાવ્યો હતો. કેપ્ટન ગિલે પહેલા દિવસે જ પોતાની સદી પૂર્ણ કરી હતી. ગિલ અને જાડેજા વચ્ચે 203 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ જાડેજા જોશ ટંગના બાઉન્સર બોલ પર 89 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદર ભારતીય નીચલા ક્રમની બેટિંગને મજબૂત બનાવવા માટે ટીમમાં આવ્યો હતો. તેણે 42 રન બનાવ્યા અને ગિલ સાથે 144 રનની ભાગીદારી કરી હતી.
શુભમન ગિલે 269 રનની ઇનિંગ રમીને ઘણા ઐતિહાસિક રેકોર્ડ તોડ્યા હતા. તે ઇંગ્લેન્ડમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે સુનીલ ગાવસ્કરનો 221 રનનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલ ટેસ્ટ ક્રિકેટમાં 250+ રન બનાવનાર માત્ર છઠ્ઠો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. ગિલે તેની ઐતિહાસિક ઇનિંગમાં 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
ઇંગ્લેન્ડ તરફથી બોલિંગની વાત કરીએ તો શોએબ બશીર સૌથી સફળ બોલર હતો, જેણે કુલ 3 વિકેટ લીધી હતી. ક્રિસ વોક્સ અને જોશ ટંગે બે-બે વિકેટ લીધી હતી. બ્રાયડન કાર્સ, બેન સ્ટોક્સ અને જો રૂૂટે એક-એક વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને જેક ક્રોલીએ ઇનિંગની શરૂૂઆત કરી હતી. ભારતીય બોલરો શરૂૂઆતથી જ શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. પરિણામે આકાશદીપે ડકેટ અને ઓલી પોપને આઉટ કર્યા આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. જેક ક્રોલીને શરૂૂઆત મળી પરંતુ 19 રન બનાવ્યા પછી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે માત્ર 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ જો રૂૂટ અને હેરી બ્રુકે 52 રનની ભાગીદારી કરી હતી.
ઈંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારનાર શુભમન પ્રથમ ભારતીય કેપ્ટન
શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી અને 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઇનિંગ્સથી તેણે ન માત્ર ઈંગ્લેન્ડના બોલરોને પછાડ્યા, પણ ભારતીય ક્રિકેટના પાને નવું અધ્યાય લખ્યું. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં એ પહેલી વાર બન્યું છે કે ભારતીય કેપ્ટને ઇંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી ફટકારી છે. આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીને 1990માં 179 રનની ઇનિંગ રમી હતી - જેનો રેકોર્ડ હવે તૂટી ગયો છે. ગિલે હવે વિદેશી ધરતી પર સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. અગાઉ વિરાટ કોહલીના નામે આ રેકોર્ડ હતો, જેમણે 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામે 200 રનની ઇનિંગ રમી હતી.