પાકિસ્તાન સામે 823 રન ફ્ટકારી ઇંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો
કહેવાય છે ને કે ના ભૂતો ના ભવિષ્યતિ. હવે ભવિષ્યની ગેરંટી લેવી મુશ્કેલ છે, પરંતુ એ હકીકત છે કે, ઇંગ્લેન્ડને મુલ્તાનમાં પાકિસ્તાનની જે રીતે ધોલાઈ કરી છે એવી 147 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ક્યારેય થઈ નથી. ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે 7 વિકેટ ગુમાવીને 823 રન ઠોકી દીધા છે. આ ટેસ્ટ ઇતિહાસનો ચોથો સૌથી મોટો સ્કોર છે.
ઇંગ્લેન્ડે આ રન 150 ઓવરમાં બનાવ્યા. તેની રનરેટ 5.48ની રહી. આવું ટેસ્ટ ઇતિહાસમાં પહેલી બન્યું છે જ્યારે કોઈ ટીમે 150થી ઓછી ઓવરમાં 800થી વધુ રન બનાવ્યા છે. પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે 7 બોલર્સનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી છ બોલર્સે 100થી વધુ રન બનાવ્યા છે. અબરાર અહમદે પાકિસ્તાન તરફથી સૌથી વધુ 174 રન (35 ઓવર) લૂંટાવ્યા છે.
ઇંગ્લેન્ડની વાત કરીએ તો તેના અડધા રન માત્ર બે બેટ્સમેન હેરી બ્રુક અને જો રૂૂટે બનાવ્યા છે. હેરી બ્રુકે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી. તેણે 322 બોલમાં 317 રન બનાવ્યા. આ પાકિસ્તાન સામે કોઈ બેટ્સમેનની સૌથી ફાસ્ટ ત્રેવડી સદી છે. જો રૂૂટે 263 રન બનાવ્યા. આ તેની છઠ્ઠી બેવડી સદી છે.
ઇંગ્લેન્ડના હેરી બ્રુક અને જો રૂૂટની શાનદાર ઇનિંગના જોરે પાકિસ્તાન પર એવી લીડ મેળવી છે, જે તેને સરળતાથી જીત મળી શકે છે. ઇંગ્લેન્ડે પાકિસ્તાન પર પહેલી ઇનિંગના આધારે 267 રનની લીડ મેળવી છે. પાકિસ્તાને પોતાની પહેલી ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા.