હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે RCBને 6 વિકેટે ધૂળ ચટાડી
IPL 2025ની 24મી મેચમાં ગુરુવારે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે પરાજય આપ્યો હતો. કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગના સહારે દિલ્હીએ આ મેચ પોતાના નામે કરી લીધી હતી. રાહુલે અણનમ 93 રનની ઇનિંગ રમી હતી, જોકે તે સદી ચૂકી ગયો હતો. દિલ્હીના બોલર ભુવનેશ્વર કુમાર અને સુયશ શર્માએ પણ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે આરસીબી તરફથી ટિમ ડેવિડ અને ફિલિપ સોલ્ટે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.
આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલનું મેચ વિનિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 53 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 93 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ અણનમ 38 રનનું યોગદાન આપ્યું હતું, જેમાં તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.
દિલ્હીનો દાવ શરૂૂઆતમાં જ ખોરવાઈ ગયો હતો. ટીમના ઓપનર ફાફ ડુ પ્લેસિસ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો, જેને યશ દયાલે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ જેક ફ્રેઝર મેકગર્ક પણ 7 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક પોરેલ પણ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી.
દિલ્હીના બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સુયશ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી, જ્યારે યશ દયાલે 3.5 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ પોતાના નામે કરી હતી.
આ પહેલાં, આરસીબીએ રજત પાટીદારની કપ્તાનીમાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જેમાં ફિલિપ સોલ્ટે 17 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 37 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ડેવિડ 37 રન સાથે અણનમ રહ્યો હતો, તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 14 બોલમાં 22 અને રજત પાટીદારે 25 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબીના બોલરોએ પણ પ્રયાસ કર્યો હતો, જેમાં કુલદીપ યાદવ અને વિપ્રરાજ નિગમે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે મોહિત શર્મા અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં પૂરતું નહોતું.