લખનૌ સામે CSKનો 5 વિકેટે શાનદાર વિજય
શિવમ દુબેના 37 બોલમાં 43 રન, રિશભ પંતની બેટીંગ કામ ન આવી
મહેન્દ્રસિંહ ધોની જેના માટે જાણીતો છે તે અંતિમ ઓવર્સમાં વર્તમાન સિઝનમાં તેણે પહેલી વાર તેની પ્રતિષ્ઠાને છાજે તેવું પ્રદર્શન કરતાં ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે પાંચ વિકેટથી વિજય હાંસલ કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતાં લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં સાત વિકટે 166 રન કર્યા હતા જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.3 ઓવરમાં પાંચ વિકેટે 168 રન કરીને મેચ જીતી લીધી હતી. શિવમ દૂબેએ 37 બોલમાં 43 અને ધોનીએ 11 બોલમાં 26 રન ફટકાર્યા હતા. બંને અણનમ રહ્યા હતા.મેચ જીતવા માટે 167 રનના ટારગેટ સામે રમતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મક્કમ પ્રારંભ કર્યો હતો. ઓપનર્સ શૈક રશીદ અને રચિન રવીન્દ્રએ પહેલી વિકેટ માટે 4.5 ઓવરમાં બાવન રન ઉમેર્યા હતા. કિવિ બેટ્સમેન રવીન્દ્ર 22 બોલમાં 27 રન ફટકારીને આઉટ થયો હતો તો રશીદે 27 રનનું યોગદાન આપ્યું હતું. 19 બોલની ઇનિંગ્સમાં તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા.
જોકે મિડલ ઓવર્સમાં રાહુલ ત્રિપાઠી અને રવીન્દ્ર જાડેજા સસ્તામાં આઉટ થઈ જતાં ચેન્નાઈ ગંભીર સ્થિતિમાં આવી ગયું હતું. આ સમયે શિવમ દૂબેએ મજબૂત બેટિંગ કરી હતી. વિજય શંકર સસ્તામાં આઉટ થઈ ગયા બાદ તેની સાથે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જોડાયો હતો.
અગાઉ લખનૌ સુપર જાયન્ટની ઇનિંગ્સનો હિરો રિશભ પંત રહ્યો હતો. વર્તમાન આઇપીએલનો સૌથી મોંઘો ક્રિકેટર પણ હજી સુધી કુલ 29 જ રન કરી શકેલો રિશભ પંત સોમવારે તેના ઓરિજીનલ ફોર્મમાં પરત આવ્યો હોય તેવી બેટિંગ કરી હતી. હેલિકોપ્ટર શોટ, રિવર્સ સ્કૂપ, એક હાથે લોંગ ડ્રાઇવ દ્વારા સિક્સર આ તમામ વિશેષતા તેની બેટિંગમાં જોવા મળી હતી. તેણે પોતાના પ્રથમ પાંચ રન માટે 17 બોલ બેટિંગ કરી હતી પરંતુ ત્યાર બાદ 22 બોલમાં 33 રન ફટકાર્યા હતા.
રિશભ પંતે કેપ્ટન્સ ઇનિંગ્સ રમીને 49 બોલમાં 63 રન ફટકાર્યા હતા જેમાં ચાર સિક્સર અને ચાર ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ઓપનર મિચેલ માર્શે 25 બોલમાં બે સિક્સર સાથે 30 અને આયુષ બદોનીએ 17 બોલમાં બે સિક્સર સાથે 22 રન ફટકાર્યા હતા. અબ્દુલ સમદે પણ બે સિક્સર ફટકારીને અંતિમ ઓવર્સમાં રિશભ પંતને સહકાર આપ્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સ માટે લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ત્રણ ઓવરમાં 18 રન આપીને બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને આકાશદીપ પાસેથી ચેન્નાઈને સૌથી વધુ આશા હતી પરંતુ તેઓ વિકેટ ખેરવી શક્યા ન હતા.