સેમિફાઇનલમાં ભારતના વિજયની ક્રિકેટ રસિયાઓ દ્વારા ભવ્ય ઉજવણી
મોડી રાત્રે હાથમાં તિરંગા લઇ લોકો રસ્તા પર ઉતરી પડયા, આતશબાજી સાથે નાચગાન અને ભારત માતા કી જયના નારા લગાવ્યા
ચેમ્પિયન ટ્રોફીની સેમી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરતા રાજકોટ- અમદાવાદ- વડોદરા- સુરત સહીતના શહેરોમાં ટીમ ઇન્ડીયાના વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો તિરંગા લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને મીઠાઇ પણ વહેંચી હતી. રાત્રે 11 વાગ્યા બાદ લોકો રસ્તાઓ ઉપર નાચગાન સાથે ઉજવણી કરતા નજરે પડયા હતા. લોકો ભારત માતા કી જયના નારા લગાવી ખુશી વ્યકત કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ભવ્ય જીતને લઈને અમદાવાદના ખોખરા વિસ્તારમાં ક્રિકેટ રસીકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય થતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
ભારતની ભવ્ય જીતને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરત શહેરના ભાગળ રસ્તા પર ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી હતી. સુરતીઓ તિરંગા સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ ભવ્ય આતશબાજી કરીને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી હતી.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર યુવાનો હાથમાં ભારતનો તિરંગો લઇ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા અને સાથે આગામી ફાઇનલ મેચમાં પણ ભારતનો જ વિજય થશે અને ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતીને લાવશે... લાવશે... અને લાવશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.