રજત પાટીદારનો ફોન નંબર કંપનીએ છત્તીસગઢના યુવાનને ફાળવી દેતા બબાલ
અંતે પાટીદારે પોલીસ મોકલી મામલો થાળે પાડયો
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ક્રિકેટર રજત પાટીદારના જૂના મોબાઇલ નંબરને લઈને એક વિચિત્ર ઘટના બની છે. તેમનો જૂનો નંબર છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લાના એક છોકરા, મનીષને આપી દેવામાં આવ્યો હતો. આ પછી પાટીદારને એક અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, જેને ઉકેલવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.
અહેવાલ મુજબ પાટીદારનો જૂનો મોબાઇલ નંબર 90 દિવસથી વધુ સમયથી એક્ટિવ ન હતો, જેના કારણે ટેલિકોમ પ્રોવાઇડરે તેને ડીએક્ટિવેટ કરી દીધો હતો. બાદમાં જૂનના અંતમાં ગરિયાબંધ જિલ્લામાં રહેતા મનીષે તે જ નંબરનું રિલાયન્સ જિયો સિમ કાર્ડ ખરીદ્યું અને એક્ટિવ કરાવ્યું.
સિમ એક્ટિવ થયાના થોડા સમય પછી મનીષ અને તેના મિત્ર ખેમરાજે જોયું કે નવા નંબરના વોટ્સએપ પ્રોફાઇલ ઇમેજમાં રજત પાટીદારનો ફોટો દેખાઈ રહ્યો હતો. આ પછી તરત જ ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓ, જેમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સનો સમાવેશ થાય છે, તેમણે મનીષને ફોન કરવાનું શરૂૂ કર્યું. તેઓ પાટીદારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
શરૂૂઆતમાં મનીષ અને ખેમરાજ આશ્ચર્યચકિત હતા, પરંતુ તેમને આ નંબરના મહત્વનો અંદાજ નહોતો. તેમણે તેને હસી-મજાકમાં લીધું અને જ્યારે પાટીદારે પોતે ફોન કર્યો, ત્યારે જવાબમાં મજાક કરતા કહ્યું કે અમે એમએસ ધોની છીએ. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે રજત પાટીદારે પોતે મનીષનો સંપર્ક કર્યો અને તેમને પોતાના જૂના નંબરનું મહત્વ સમજાવ્યું. પાટીદારે જણાવ્યું કે આ નંબર તેમના કોચો, ટીમના સાથીઓ અને નજીકના લોકો પાસે હતો. યુવાનો તેમનું માનવા તૈયાર નહોતા કે ફોન પર ખરેખર પાટીદાર છે. આવા સંજોગોમાં, પાટીદારે પોલીસ મોકલવાની ચેતવણી આપી.
આ ચેતવણીના દસ મિનિટની અંદર સ્થાનિક પોલીસ મામલો ઉકેલવા મનીષના ઘરે પહોંચી ગઈ. મામલાની ગંભીરતા સમજીને મનીષ અને ખેમરાજે સંપૂર્ણ સહકાર આપ્યો અને સિમ કાર્ડ તેના અસલી માલિક રજત પાટીદારને પરત કર્યું.