શ્રીલંકાના સૂપડાં સાફ, સુપર ઓવરમાં ભારતની રોમાંચક જીત સાથે ક્લીન સ્વીપ
ભારતીય ટીમે 48 રને 5 વિકેટ ગુમાવ્યા બાદ બાજી બદલી
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ધૂમ મચાવી છે. ટીમે શ્રીલંકાને તેના ઘરે 3 મેચની ઝ20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચ્યો છે. પલ્લેકલેમાં મંગળવારે (30 જુલાઈ) રમાયેલી છેલ્લી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ ટાઈ રહી હતી, જે બાદ ભારતીય ટીમે સુપર ઓવરમાં જીત મેળવી હતી.
ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચ 43 રને જીતી હતી. આ પછી, તેઓએ બીજી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણી પર કબજો કર્યો. હવે તેઓએ ત્રીજી મેચ પણ જીતીને ક્લીન સ્વીપ કરી લીધું છે. ત્રીજી મેચની સુપર ઓવરમાં ભારતીય ટીમને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સૂર્યાએ મહિષ તિક્ષીણાના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી.
સિરીઝની છેલ્લી મેચ પલ્લેકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 137 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જવાબમાં શ્રીલંકન ટીમે પણ 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ હતી. શ્રીલંકા ટીમ માટે કુસલ પરેરાએ 46 રન અને કુસલ મેન્ડિસે 43 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પથુમ નિસંકાએ 26 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી 19મી ઓવર રિંકુ સિંહે નાખી હતી. જેમાં તેણે 2 વિકેટ લીધી હતી. ત્યાર બાદ છેલ્લી ઓવરમાં જ્યારે શ્રીલંકાને 6 રનની જરૂૂર હતી, ત્યારે સૂર્યાએ ખુદ બોલિંગ કરી, તેઓએ આ ઓવરમાં 2 વિકેટ લઈને માત્ર 5 રન આપ્યાં હતા અને હારેલી મેચને ટાઈ કરાવી હતી.