અમેરિકન સીડ ટ્રેલર ફ્રિટ્ઝને હરાવી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત ફાઇનલમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે અમેરિકન પાંચમી સીડ ટેલર ફ્રિટ્ઝને એક રોમાંચક મુકાબલામાં 6-4, 5-7, 6-3, 7-6 (8/6) થી હરાવીને સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચ શુક્રવારે રમાઈ હતી. સેન્ટર કોર્ટ પર હોલીવુડ સ્ટાર લિયોનાર્ડો ડીકાપ્રિયો સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓની હાજરીમાં, અલ્કારાઝે બે કલાક અને 49 મિનિટ ચાલેલા આ ભવ્ય સંઘર્ષમાં 32 ડિગ્રી સેલ્સિયસ (90 ડિગ્રી ફેરનહીટ) જેટલા ઉગ્ર તાપમાનનો સામનો કર્યો.
22 વર્ષીય અલ્કારાઝ હવે રવિવારની ફાઇનલમાં સાત વખતના વિમ્બલ્ડન ચેમ્પિયન નોવાક જોકોવિચ અથવા વર્લ્ડ નંબર વન જેનિક સિનર સામે ટકરાશે. અલ્કારાઝે અગાઉની બે વિમ્બલ્ડન ફાઇનલમાં જોકોવિચને હરાવ્યા છે, અને સિનર સામેની 12 મુકાબલામાં તે 8-4 થી આગળ છે.
ટૂર્નામેન્ટની અસંગત શરૂૂઆત પછી ફરીથી પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં પરત ફરેલો વર્લ્ડ નંબર ટુ અલ્કારાઝ, ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં પોતાનું શાસન લંબાવવા માટે સંપૂર્ણપણે તૈયાર લાગી રહ્યો છે. પાંચ વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અલ્કારાઝ, એપ્રિલમાં બાર્સેલોના ફાઇનલમાં હોલ્ગર રૂૂન સામે હાર્યા પછી કારકિર્દીની શ્રેષ્ઠ 24 મેચની વિજેતા સ્ટ્રીક પર છે. આ જબરદસ્ત પ્રદર્શનથી તેને ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં સિનર સામે વિજય, અને રોમ, મોન્ટે કાર્લો તથા ક્વીન્સ ક્લબના ખિતાબ મળ્યા છે. તેણે ઘાસના કોર્ટ પર 38 માંથી 35 મેચ જીતી છે, જેમાં 2022 માં સિનર સામે ચોથા રાઉન્ડમાં હાર્યા પછી વિમ્બલ્ડનમાં 20 સતત જીતનો સમાવેશ થાય છે. પાંચ વખતના ફાઇનલિસ્ટ રાફેલ નડાલ પછી તે વિમ્બલ્ડન ફાઇનલમાં ત્રણ વખત પહોંચનાર બીજો સ્પેનિશ પુરુષ ખેલાડી છે.
અલ્કારાઝ ઓપન યુગમાં બ્યોર્ન બોર્ગ, પીટ સામ્પ્રાસ, રોજર ફેડરર અને જોકોવિચ પછી સતત ત્રણ વિમ્બલ્ડન ખિતાબ જીતનાર પાંચમો પુરુષ ખેલાડી બનવાથી માત્ર એક જીત દૂર છે. તે 22 વર્ષની ઉંમરે 1978 માં વિમ્બલ્ડનમાં બોર્ગ પછી છ ગ્રાન્ડ સ્લેમ પુરુષ ખિતાબ જીતનાર ઓપન યુગનો બીજો સૌથી યુવા ખેલાડી પણ બની શકે છે.