ચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છે
ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો ને થોડા ચડાવઉતાર પછી ભારતે 49 ઓવરના અંતે 6 વિકેટે આ સ્કોર ચેઝ કરીને ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી. આ પહેલાં ભારત 2013માં ઈંગ્લેન્ડ સામે ફાઈનલમાં જીતીને ચેમ્પિયન્સ ટ્રોફીનું ચેમ્પિયન બનેલું એ જોતાં 12 વર્ષ પછી ફરી ચેમ્પિયન્સ ટ્રોફી પર ભારતનો કબજો થયો છે.
ભારત છેલ્લે રમાયેલી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પણ પહોંચેલું પણ પાકિસ્તાન સામે ભારતના ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખરાબ પરાજય મેળવીને આપણે ધોયેલા મૂળા જેવા પાછા આવેલા. રોહિત શર્માની ટીમે આ વખતે એ ઈતિહાસનું પુનરાવર્તન ના થવા દીધું. સામાન્ય રીતે આવી મોટી મેચ હોય ત્યારે રોહિત શર્માનું ઘોડું દોડતું નથી પણ રોહિત શર્માએ આ વખતે એ ઈતિહાસનું પુનરાવર્તન પણ ના થવા દીધું અને ટીમ વતી હાઈએસ્ટ 76 રન ફટકારીને ભારતની જીતનો પાયો નાખ્યો.
યોગાનુયોગ 2025ની ચેમ્પિયન ટ્રોફી ફાઈનલ પણ તેના રી-રન જેવી જ થઈ. સારી શરૂૂઆત પછી ન્યૂ ઝીલેન્ડ જબરદસ્ત સ્કોર ના બનાવી શક્યું ને ભારત પણ વચ્ચેના ગાળામાં ઉપરાછાપરી વિકેટો ગુમાવ્યા પછી શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ. રાહુલ, હાર્દિક પંડયાની જોરદાર બેટિંગના કારણે જીતી ગયું. ન્યૂ ઝીલેન્ડ પણ 4 વિકેટે જીત્યું હતું ને ભારત પણ 4 વિકેટે જીત્યું છે. ન્યૂ ઝીલેન્ડ 2 બોલ બાકી હતા ને જીતેલું, ભારત 6 બોલ બાકી હતા ત્યારે જીત્યું છે.
ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીની જીત પછી લાંબો સમય મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે રાહ જોવી પડેલી ને હવે જીત મળી ત્યારે એક સાથે બે ટૂર્નામેન્ટ ભારતે જીતી છે. 2024માં ટી-20 વર્લ્ડકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતના કારણે ભારતના દિવસો ફરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આશા રાખીએ કે, ટીમ ઈન્ડિયા આ ટેમ્પો જાળવે ને હવે પછીનાં વરસોમાં દરેક મોટી સ્પર્ધા જીતે.