ભારત-ઇંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં બુમરાહના રમવા અંગે અવઢવ, સાઇ સુદર્શન નહીં રમે
ભારતીય ટીમ લીડ્સમાં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બેનર હેઠળની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડની તમામ 20 વિકેટ ન લઈ શકી અને હારી બેઠી ત્યાં હવે સાત દિવસના લાંબા બ્રેક બાદ બીજી જુલાઈએ બર્મિગહેમમાં શરૂૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં જ ભારતે બે વિકેટથ ગુમાવી દીધી હોવાનું મનાય છે.
વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહ આ બીજી ટેસ્ટમાં કદાચ ન પણ રમે. બીજું, 20મી જૂને ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર વનડાઉન બેટ્સમેન સાઇ સુદર્શનને ઈજા છે જેને કારણે કદાચ તે પણ બીજી ટેસ્ટમાં નહીં રમે. લીડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં બુમરાહની બોલિંગમાં ચાર કેચ છૂટ્યા હતા છતાં તે પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય ભારતનો બીજો કોઈ પણ બોલર ધારણા જેટલો અસરદાર નહોતો અને બીજી ઇનિંગ્સમાં બુમરાહ 57 રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.
જોકે હવે ટીમ ઇન્ડિયાની નજર બીજી ટેસ્ટ પર છે જે છેક બુધવારે શરૂૂ થવાની હોવા છતાં એની ઇલેવન તૈયાર કરવાની બાબતમાં ટીમ મેનેજમેન્ટ થોડું ચિંતામાં છે. હેડ-કોચ ગૌતમ ગંભીરે બુમરાહ વિશે જે અપડેટ બુધવારે આપ્યું એ અત્યારે ખૂબ ચર્ચામાં છે. ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડના પ્રવાસમાં ભારતનો મુખ્ય બોલર છે, પરંતુ તેના વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે આ સિરીઝમાં બધી પાંચ ટેસ્ટ નથી રમવાનો જે તેણે સિરીઝની પહેલાં જ બીસીસીઆઇને અને સિલેક્ટરોને કહી દીધું હતું.
દરમ્યાન લીડ્સની પ્રથમ ટેસ્ટમાં 0 અને 30 રનના પર્ફોર્મન્સ સાથે ટીમ ઇન્ડિયાના કરોડો ચાહકોને નિરાશ કરનાર 23 વર્ષીય બેટ્સમેન સાઇ સુદર્શન વિશે એવું કહેવાઈ રહ્યું છે કે તેને આ ટેસ્ટ દરમ્યાન ખભામાં દુખાવો શરૂૂ થયો હતો જેને લીધે તે કદાચ બીજી ટેસ્ટમાં નહીં રમે. તેના વિશે હજી સત્તાવાર રીતે કોઈ માહિતી નથી મળી, પણ જો તે નહીં રમે તો ત્રીજા સ્થાને કોણ બેટિંગ કરશે એ મુદ્દો ચર્ચાસ્પદ બનશે. સ્ક્વોડમાં સમાવવામાં આવેલા અભિમન્યુ ઈશ્વરનનું નામ ચર્ચામાં છે. જોકે કરુણ નાયરે પ્રથમ ટેસ્ટમાં નિરાશાજનક પર્ફોર્મ (0 અને 20 રન) હતું. તેને વનડાઉનમાં નહીં રમાડાય તો ઈશ્વરનને મોકો મળી શકે.