કાલના માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર શરૂૂ થવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે મોટી અપડેટ આપી હતી.
માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સિરાજે એક મોટી અપડેટ આપી અને ચાહકોને રાહતના સમાચાર આપ્યા હતા. સિરાજે સ્પષ્ટ કહ્યું કે સ્ટાર બોલર બુમરાહ આ કરો યા મરો મેચમાં રમશે. ભારતીય ટીમ શ્રેણીમાં 1-2 થી પાછળ છે, અને માન્ચેસ્ટર ટેસ્ટમાં જીત સાથે શ્રેણી બરાબર કરવા માંગે છે. આવી સ્થિતિમાં, જસપ્રીત બુમરાહની હાજરી ભારતીય બોલિંગને મજબૂત બનાવશે.
સિરાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જસ્સી ભાઈ રમશે, આકાશ દીપ ઈજાગ્રસ્ત છે. ટીમ કોમ્બિનેશન બદલાઈ રહ્યું છે પરંતુ અમારે લાઈન અને લેન્થ સાથે બોલિંગ કરવાની જરૂૂર છે. યોજના સરળ છે. બુમરાહે આ શ્રેણીમાં અત્યાર સુધી બે ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને બે પાંચ વિકેટ સહિત કુલ 12 વિકેટ લીધી છે.
માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતનો ટેસ્ટ રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. ભારતે આ મેદાન પર અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે, પરંતુ એક પણ જીતી શક્યું નથી. આવી સ્થિતિમાં શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ સામે ઈતિહાસ બદલવાનો પડકાર રહેશે. બીજી તરફ, જો ભારત આ મેચ હારી જાય છે, તો ઈંગ્લેન્ડને શ્રેણીમાં અજેય લીડ મળશે. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ કિંમતે જીતવા માંગશે.