43 ચોગ્ગા, 24 છગ્ગા, 152 બોલમાં 419 રન ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો
હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના આયુષ શિંદેએ રનનું રમખાણ સર્જ્યુ
યુવા ઓપનર આયુષ શિંદેએ હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં અણનમ 419 રનની ઇનિંગ રમી હતી. તેણે 152 બોલ પર 43 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા. જનરલ એજ્યુકેશન એકેડમી તરફથી રમતા પાર્લ તિલક વિદ્યા મંદિર સામે આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આયુષે તેની સાથે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો વર્ષો જૂનો મહારેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ક્રોસ મેદાન પર રમાયેલી મેચમાં આયુષે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવ્યું છે. તે બોયઝ અંડર 16 ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેનની યાદીમાં ચોથા નંબરે છે.
વર્ષ 2009માં સરફરાજ ખાને 12 વર્ષની ઉંમરે 439 રન બનાવ્યાં હતા. આયુષની મેરેથોન ઇનિંગના જોરે તેની ટીમે 464 રને જીત નોંધાવી હતી.આયુષ શિંદેએ એકસાથે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીને પાછળ છોડી દીધા છે. સચિને શારદા મંદિર તરફથી રમતા અણનમ 326 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિનોદ કાંબલીએ અણનમ 349 રન બનાવ્યાં હતા. બંનેએ 664 રનની રેકોર્ડ પાર્ટનરશીપ કરી ટીમને મોટી જીત અપાવી હતી. આયુષે એક ઝાટકે બંનેના રેકોર્ડ તોડી નાખ્યા હતા. આયુષની આ ઇનિંગના જોરે ટીમે 5 વિકેટના નુકસાને 648 રન બનાવ્યાં હતા.
ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શોએ 2013માં આ ટુર્નામેન્ટમાં એક ઇનિંગમાં શાનદાર ઇનિંગ રમી હતી. શો 546 રન બનાવીને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જ્યારે તેણે આ ઇનિંગ રમી ત્યારે તેની ઉંમર 14 વર્ષ હતી. શેફિલ્ડ શીલ્ડ મુંબઈની એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટથી સચિન, કાંબલી, સરફરાજ અને પૃથ્વી શો જેવા ખેલાડી ટીમ ઇન્ડિયા સુધી યાત્રા કરવામાં સફળ રહ્યા છે. આયુષના પિતા સુનીલ સતારામાં ટેનિસ બોલથી ક્રિકેટ રમતા હતા. સુનીલ મુંબઈમાં કામોઠીની એક દુકાનમાં કામ કરે છે. જ્યાં ઘરેણાં બનાવવાનું કામ કરવામાં આવે છે.