અજિત અગરકરનો કાર્યકાળ જૂન-2026 સુધી લંબાવતું બીસીસીઆઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એશિયા કપ 2025 ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને એક ખાસ ભેટ આપી છે. જૂન 2023માં અજિત અગરકરને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2 વર્ષનો હતો પરંતુ હવે તેને જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. તેમણે ઘણી વખત એક શાનદાર ટીમની પસંદગી કરી છે. તેમની પસંદગી હેઠળ, ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી હતી.
અહેવાલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા અગરકરનો કરાર લંબાવવામાં આવ્યો હતો. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમે ઘણા ખિતાબ જીત્યા હતા અને ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ટીમોમાં પણ ફેરફારો જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે તેમનો કરાર જૂન 2026 સુધી લંબાવ્યો હતો અને તેમણે થોડા મહિના પહેલા આ ઓફર સ્વીકારી હતી.
અજિત અગરકરને હવે બીજી એક મોટી જવાબદારી નિભાવવી પડશે. એશિયા કપ 2025 પછી, આવતા વર્ષે ICC T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં રમાશે. ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે તે ICC ઇવેન્ટ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ શકે છે. કાર્યકાળ લંબાયા પછી, અજિત અગરકર તે ટુર્નામેન્ટ માટે પણ ભારતીય ટીમની પસંદગી કરતા જોઈ શકાય છે.