હૈદરાબાદના સ્ટેડિયમમાંથી નામ હટાવતા અઝહરૂદ્દીન આગબબૂલા
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાંથી મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના આ નિર્ણય બાદ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ખૂબ જ દુ:ખી છે. અઝહરુદ્દીને આ પગલાને અત્યંત શરમજનક ગણાવ્યું અને BCCI પાસેથી કાર્યવાહીની માંગ કરી છે. અઝહરુદ્દીન એટલો નિરાશ છે કે તેણે તો એમ પણ કહ્યું કે તેને ક્રિકેટ રમવાનો અફસોસ છે. અઝહરુદ્દીને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
ન્યૂઝ સાથે વાત કરતા, અઝહરુદ્દીને કહ્યું કે તેમનું દિલ તૂટી ગયું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, મને આ કહેતા ખૂબ જ દુ:ખ થાય છે. ક્યારેક મને ક્રિકેટ રમવાનો અફસોસ થાય છે. આજે રમતને લગતા નિર્ણયો એવા લોકો લઈ રહ્યા છે જેમને ક્રિકેટની મૂળભૂત સમજ પણ નથી. આ રમતનું અપમાન છે. હું આ અન્યાય સામે કાનૂની કાર્યવાહી કરીશ અને BCCIને આ મામલાની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરીશ જોકે, આ કોઈ અલગ કિસ્સો નથી. સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે મેચના પાસ અંગે પણ વિવાદ થયો હતો, જે દર્શાવે છે કે આ એસોસિએશનના મેનેજમેન્ટમાં મોટી ખામી છે, જેના કારણે આવી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે.
HCAના એથિક્સ ઓફિસર અને ઓમ્બડ્સમેન જસ્ટિસ વી. એશ્વરૈયાએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને નોર્થ પેવેલિયન સ્ટેન્ડ પરથી મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ એક અરજી બાદ આપવામાં આવ્યો હતો જેમાં અઝહરુદ્દીન સામે પક્ષપાતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, લોર્ડ્સ ક્રિકેટ ક્લબની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે HCA પ્રમુખ તરીકે અઝહરુદ્દીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને તેમના નિર્ણયો તેમના અંગત ફાયદા માટે હતા.