ટીમવર્કની કમાલ, ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન
ભારતીય ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ જીતીને 17 વર્ષનો વર્લ્ડ કપ નહીં જીતવાનો દુકાળ પૂરો કરી દીધો. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડેસમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ભારતે જબરદસ્ત ટીમ સ્પિરિટ બતાવીને 7 રને જીત મેળવી અને ટી 20 વર્લ્ડ કપમાં બીજી વાર ચેમ્પિયન બન્યું. બહુ લાંબા સમય પછી એવું બન્યું કે, ભારતના દરેક ખેલાડીએ જબરદસ્ત યોગદાન આપ્યું હોય ને આ ટીમ એફર્ટના કારણે જ આપણે ચેમ્પિયન બન્યા. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે આ જીતમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. રીયલ થ્રીલર જેવી આ મેચમાં વિરાટ કોહલી અને શિવમ દુબે બેટિંગમાં ચાલ્યા તો બૂમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપસિંહ બોલિંગમાં ચાલ્યા જ્યારે આપણો ગુજરાતી બાપુ , અક્ષર પટેલ બેટિંગ ને બોલિંગ બંનેમાં ચાલી ગયો. સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ભલે ના ચાલ્યો પણ ડેવિડ મિલરનો કેચ પકડીને એ નિષ્ફળતા ધોઈ નાંખી કેમ કે મિલરના કેચે જ ભારતને જીતાડ્યું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બાકી આ મેચ આપણે ગુમાવી જ દીધેલી. પંતે પણ વિકેટકીપર તરીકે બોલરોને કઈ રીતે બોલિંગમાં ચેન્જ કરવા તેની સ્ટ્રેટેજીમાં ભારે મદદ કરી ને રોહિતે કેપ્ટન તરીકે યોગદાન આપ્યું. ભારત 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યું પછી એક પણ વર્લ્ડ કપ નહોતો જીત્યો. ત્રણવાર ફાઈનલમાં આવીને હારેલું અને દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં પણ પહેલાં ક્લાસેન ને પછી ડેવિડ મિલર જે રીતે રમતા હતા એ જોતાં લાગતું હતું કે, આ ઈતિહાસનું પુનરાવર્તન થશે પણ આપણા ગુજરાતી ભાયડા હાર્દિક પંડ્યાએ આઉટસ્વિંગર બ્યુટીમાં ક્લાસેનને વિકેટ પાછળ ઝીલાવ્યો ને મેચ પલટાઈ ગઈ. ભારતના વિજયમાં વિરાટ કોહલીની બેટિંગનું પણ મોટું યોગદાન છે ને તેની વાત ના કરીએ તો નગુણા કહેવાઈએ. લાંબા સમયથી એવું બનતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા એ બે ધુરંધરોનું ઘોડું દશેરાના દિવસે જ નહોતું દોડતું. ફાઈનલ સહિતની મોટી મેચોમાં જ એ બંને ધોળકું ધોળીને બેસી જતા. આ વખતે એવું ના થયું. વિરાટ આખી ટૂર્નામેન્ટમાં ભલે ના ચાલ્યો પણ ફાઈનલમાં ચાલ્યો ને એવો ચાલ્યો કે, ભારતની લથડી ગયેલી ઈનિંગ્સને સ્થિરતા આપીને સન્માનજનક સ્કોર ઉભો કરી આપ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વિજય સાથે ટી 20માંથી વિદાય થયા છે ને આ નિર્ણય બહુ સારો છે. બંનેની બેટિંગમાં પહેલાં જેવો ટચ નથી એ જોતાં બંને માટે વિદાય થવા આનાથી બહેતર સમય જ ના હોય. રાહુલ દ્રવિડને પણ કોચ તરીકે યાદગાર ભેટ સાથે ટીમ ઈન્ડિયાએ વિદાય આપી.