ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે ત્યારે ઓછામાં ઓછા ત્રણ એવા સિનિયર ખેલાડીઓ છે જેમના નામ પર પસંદગીકારોએ ભારે મંથન કરવું પડી શકે છે. કેએલ રાહુલ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા, આ ત્રણ ખેલાડીઓની 19 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં જગ્યા ફાઈનલ નથી, જો કે આ ખેલાડીઓ ગત વર્લ્ડકપમાં ટીમનો ભાગ હતા.
ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારતે છ વનડે રમી છે, જેમાં શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ રાહુલને દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં દ્વિપક્ષીય શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું હતું. રાહુલને શ્રીલંકા સામેની સીરીઝમાં અધવચ્ચે જ બહાર કરી દેવામાં આવ્યો હતો. 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની હારનું મુખ્ય કારણ 100થી વધુ બોલમાં તેની અડધી સદી હતી.
આ સાથે જ યશસ્વી જયસ્વાલને ઓડીઆઈ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. આનાથી ટોપ ચારમાં એક ડાબોડી બેટ્સમેન હશે. જો વિકેટકીપિંગ માટે ઋષભ પંત પ્રથમ પસંદગી હોય તો રાહુલને બેકઅપ તરીકે રાખવાનો કોઈ અર્થ નથી. જો રાહુલ વિકેટ કીપિંગ ન કરી રહ્યો હોય તો બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.
વ્હાઈટ બોલના ફોર્મેટમાં જાડેજાનું ફોર્મ એટલું સારું રહ્યું નથી અને સૂત્રોનું માનવું છે કે પસંદગી સમિતિને અક્ષર પટેલને વનડેમાં વધુ સારો વિકલ્પ લાગે છે. વોશિંગ્ટન સુંદરની પસંદગી નિશ્ચિત જણાય છે, પરંતુ પસંદગીકારો કુલદીપ યાદવની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે. તે સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો છે, પરંતુ વિજય હજારે ટ્રોફીમાં એક પણ મેચ રમ્યો નથી. જો તે નહીં રમે તો રવિ બિશ્નોઈ કે વરુણ ચક્રવર્તીને તક મળી શકે છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઈને પસંદગી સમિતિ સમક્ષ ચિત્ર સ્પષ્ટ નથી. તેણે વિજય હજારે ટ્રોફીમાં છેલ્લી બે મેચમાં આઠ ઓવર ફેંકી હતી. જો જસપ્રીત બુમરાહ પીઠની સમસ્યાને કારણે રમી શકતો નથી, તો શમીનો અનુભવ ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.
સેમસનને તક મળી શકે છે તેના નજીકના હરીફોમાં, ઇશાન કિશન વિજય હજારે ટ્રોફીમાં રન કરી શક્યો ન હતો, જ્યારે સંજુ સેમસન પ્રારંભિક મેચોમાંથી બહાર રહેવાને કારણે કેરળની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જો કોચ ગૌતમ ગંભીર હજુ પણ પસંદગીની બાબતોમાં પોતાનું ચાલશે તો સેમસન તેનો ફેવરિટ ખેલાડી હોવાને કારણે ટીમમાં સ્થાન બનાવી શકે છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની તમામ મેચ દુબઈમાં રમવાની છે અને બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. રિંકુ સિંહ અને તિલક વર્મા રિઝર્વ બેટ્સમેનોમાં વિકલ્પ બની શકે છે.