એશિયા કપ-2025, કાલે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો
વર્તમાનમાં બંન્ને ટીમો એક-એક મેચ જીતી છે, ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 18માંથી 10 વખત ભારતની પાક. સામે જીત
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મોટી મેચ કાલે રમાશે. ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂૂઆત UAEસામે 9 વિકેટથી જીત સાથે કરી હતી.
ટુર્નામેન્ટના ઇતિહાસમાં બંને ટીમ એકબીજા સામે 18 મેચ રમી છે, જેમાં ભારતે 10 અને પાકિસ્તાને 6 મેચ જીતી છે, જોકે છેલ્લાં 10 વર્ષમાં આ હરીફાઈ એકતરફી બની ગઈ છે, જ્યાં પાકિસ્તાન 7 મેચમાંથી ફક્ત એક જ વાર જીતી શક્યું છે.એશિયા કપ 1984થી રમાઈ રહ્યો છે. ભારતે 8 અને પાકિસ્તાને 2 ટાઇટલ જીત્યાં છે, પરંતુ બંને ટીમે ક્યારેય ફાઈનલમાં એકબીજાનો સામનો નથી કર્યો પહેલો એશિયા કપ 1984માં રમાયો હતો, જેમાં ફક્ત ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ ભાગ લીધો હતો. ભારતે શારજાહમાં પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું અને પછી રાઉન્ડ રોબિન ફોર્મેટ જીતીને ટાઇટલ જીત્યું હતું. શ્રીલંકા ત્યારે રનર-અપ હતું અને પાકિસ્તાન ત્રીજા સ્થાને હતું. 1984થી બંને ટીમ વચ્ચે ODI અને T20 એશિયા કપમાં 18 મેચ રમાઈ છે. ભારતે 56% એટલે કે 10 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 6 મેચ જીતી છે. 1997 અને 2023માં બંને ટીમ વચ્ચે 1-1 મેચ પણ અનિર્ણીત રહી હતી.
એશિયા કપ 14 વખત ODI ફોર્મેટમાં અને 2 વખત ઝ-20 ફોર્મેટમાં રમાયો હતો. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ODI ફોર્મેટમાં 15 મેચ રમાઈ હતી, જેમાં ભારતે 8 અને પાકિસ્તાને 5 મેચ જીતી હતી. આ સમયગાળા દરમિયાન 2 મેચ અનિર્ણીત રહી હતી, એટલે કે ભારતે 53% ODI મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
T20 એશિયા કપમાં બંને ટીમ 2016માં મીરપુર મેદાન પર પહેલીવાર ટકરાઈ હતી. ત્યાર બાદ ભારતે 5 વિકેટે મેચ જીતી હતી. 2022માં બંને વચ્ચે દુબઈમા 2 T20 રમાઈ હતી. ભારતે પહેલી મેચ જીતી હતી અને પાકિસ્તાને બીજી મેચ 5 વિકેટે જીતી હતી. છેલ્લાં 10 વર્ષમાં પાકિસ્તાનનો ભારત પર આ એકમાત્ર વિજય હતો. આ સમયગાળા દરમિયાન ભારતે 5 મેચ જીતી હતી.
ભુવનેશ્વર કુમાર પાકિસ્તાન સામે એશિયા કપમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી છે. જોકે તે ટીમનો ભાગ નથી. તેના પછી સ્પિનર કુલદીપ અને હાર્દિક પંડ્યાએ 8-8 વિકેટ લીધી છે. બંને પાકિસ્તાન સામે એશિયા કપ રમતા જોવા મળશે. T20 એશિયા કપમાં હાર્દિકે 7 વિકેટ અને અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે 3 વિકેટ લીધી છે. એશિયા કપમાં ભારત સામે ફક્ત એક જ પાકિસ્તાની બેટર 400+ રન બનાવી શક્યો છે. શોએબ મલિકે 6 મેચમાં 432 રન બનાવ્યા છે. યુનુસ ખાન 238 રન સાથે બીજા નંબરનો ટોપ સ્કોરર છે. ભારત આ મેચ જીતી જાય છે તો સુપર-4માં પહોંચવાનો તેનો રસ્તો સરળ થઈ જશે, કારણ કે આ પછી ભારતે ઓમાન સામે મેચ રમવાની અને તે જીતવી સરળ છે. ભારતે અગાઉ ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પણ પાકિસ્તાનને હરાવ્યું હતું, જેથી નજીકના રેકોર્ડ્સમાં ભારતનું પલડું ભારે છે.
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં ક્યારેય નથી ટકરાયા
એશિયા કપનું 17મું એડિશન UAEમા રમાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાને 16 ટુર્નામેન્ટમાં 1-1 વખત ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે. ભારતે 15 માંથી 8 વખત ટુર્નામેન્ટ જીતી છે અને 3 વખત રનર-અપ રહ્યું છે. એટલે કે ભારત ફક્ત 4 વખત ફાઈનલમાં સ્થાન મેળવી શક્યું નથી. આ બધીમાં પાકિસ્તાન ટાઇટલ મેચ રમ્યું હતું. પાકિસ્તાને 15 એડિશનમાં ફક્ત બેવાર જ આ ટાઈટલ જીત્યો છે. ટીમે 2000 મા શ્રીલંકાને અને 2012 મા બાંગ્લાદેશને ફાઈનલમાં હરાવીને આ ટાઈટલ જીત્યો હતો. ટીમ 2022, 2014 અને 1986માં પણ રનર-અપ રહી હતી, પરંતુ ક્યારેય ભારતનો સામનો ટાઇટલ માટે કરી શકી ન હતી. આ વખતે 48 વર્ષ જૂની આ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લઈ રહી છે