ક્રિકેટ બાદ હોકીમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, પ્રો-લીગ સીઝનનું શેડ્યૂલ જાહેર
14 ઓગસ્ટ 2026થી શરૂ થશે હોકી વર્લ્ડકપ
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ જોવાના રસિયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે હોકી વર્લ્ડકપ-2026 શરુ થાય તે પહેલા આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે FIH પ્રો લીગનું શેડ્યુલ જાહેર કર્યું છે. કાર્યક્રમ મુજબ, ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ બાદ હવે હોકીના મેદાનમાં સામસામે ટક્કર થવાની છે. બંને દેશો વચ્ચે આગામી વર્ષે જૂન મહિનામાં હોકી મેચ રમાવાની છે.
આગામી પ્રો લીગ સિઝન આ વર્ષે ડિસેમ્બર-2025થી શરુ થવાની છે, પરંતુ ભારતીય હોકી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ રમે તે પહેલા બેલ્જિયમ, અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સ્પેન સામે મેચ રમવાની છે. ભારતીય હોકી ટીમની મેચો ફેબ્રુઆરીથી શરુ થશે. બેલ્જિયન અને અર્જેન્ટીનાની ટીમ ભારત આવવાની છે અને 10થી 15 ફેબ્રુઆરી દરમિયાન ભારતીય હોકી ટીમ સાથે મેચ રમવાની છે. ત્યાર બાદ ટીમ 20થી 25 ફેબ્રુઆરી ઓસ્ટ્રેલિયા પ્રવાસે જઈને સ્પેન સામે મેચ રમવાની છે. આ તમામ મેચો બે તબક્કમાં યોજાશે.
ભારતીય ટીમનો યુરોપિયન પ્રવાસ જૂનમાં શરુ થશે. 13થી 21 જૂન ભારત નેધરલેન્ડ્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડ્સ અને વર્લ્ડ ચેમ્પિયન જર્મની સામે ટકરાશે. ત્યારબાદ ટીમ 23થી 28 જૂન સુધી ઇંગ્લેન્ડ જશે, જ્યાં તેનો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે થશે. આ મેચ પર ખાસ કરીને ક્રિકેટ અને હોકી બંનેના ચાહકોની નજર રહેશે. એફઆઇએચ હોકી વર્લ્ડકપ-2026, 14થી 30 ઑગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાશે.