અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર રાશિદ ખાનની T-20માં 600 વિકેટ
આવી સિધ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો
અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અને ટી20ના કેપ્ટન રાશિદ ખાને ટી20 ક્રિકેટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. રાશિદ કમાલ ખાનના નામથી પ્રખ્યાત અફઘાન સ્પિનર આ સિદ્ધિ મેળવનાર બીજો બોલર બન્યો. ટ્રેન્ટ રોકેટ્સ તરફથી રમતા, રાશિદે ધ હન્ડ્રેડ મેન્સ કોમ્પિટિશન 2024માં માન્ચેસ્ટર ઓરિજિનલ્સના પોલ વોલ્ટરને આઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
રાશિદ ખાન પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોના નામે હતો. ડ્વેન બ્રાવોના નામે 578 ટી-20 મેચમાં 630 વિકેટ છે. રાશિદ ખાને 441મી ટી20 મેચમાં 600 વિકેટનો આંકડો સ્પર્શ કર્યો છે. ટી20 ક્રિકેટમાં 500 કે તેથી વધુ વિકેટ લેનારા અન્ય બે બોલર છે, સુનીલ નારાયણ (557) અને ઈમરાન તાહિર (502). રાશિદ આ સિદ્ધિ મેળવનાર સૌથી યુવા અને ઝડપી બોલર બન્યો છે.
રાશિદ ખાને વર્ષ 2015માં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 441 ટી20 મેચમાં 600 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 18.25 રહી છે. ઈન્સ્ટન્ટ ક્રિકેટમાં 400 કે તેથી વધુ વિકેટ ઝડપનાર કોઈપણ ખેલાડી માટે આ સરેરાશ શ્રેષ્ઠ છે. રાશિદ ખાનનો ઈકોનોમી રેટ 6.47 રહ્યો છે. રાશિદ ખાનને વિશ્વના સૌથી ખતરનાક સ્પિનરોમાંથી એક ગણવામાં આવે છે.