ICC T-20 રેન્કિંગમાં અભિષેક શર્મા ટોચ પર, ઓલરાઉન્ડરની યાદીમાં જાડેજા મોખરે
ભારતીય ક્રિકેટ માટે ગર્વના સમાચાર છે. ભારતનો વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પ્રથમ વખત ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે. તેમણે એક વર્ષથી ટોચ પર રહેલા ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પછાડીને આ સિદ્ધિ મેળવી છે. ડાબોડી બેટ્સમેન શર્માના હવે 829 રેટિંગ પોઈન્ટ્સ છે, જ્યારે હેડ 814 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે.
અભિષેક શર્મા T20 બેટિંગ રેન્કિંગમાં નંબર વન પર પહોંચનારા ચોથા ભારતીય બેટ્સમેન બન્યા છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ યાદીમાં ટોચ પર રહી ચૂક્યા છે. બીજી તરફ, ICC ટેસ્ટ ક્રિકેટરોની તાજેતરની રેન્કિંગમાં ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની પકડ મજબૂત બનાવી છે. જાડેજા 117 રેટિંગ પોઈન્ટ્સની લીડ સાથે ઑલરાઉન્ડરોની યાદીમાં મોખરે છે, જ્યારે બાંગ્લાદેશના મહેદી હસન મિરાજ બીજા સ્થાને છે. ICC દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જાડેજાએ અણનમ 107 રનની ઇનિંગ્સ અને ચાર વિકેટ ઝડપીને ઑલરાઉન્ડરોની રેન્કિંગમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. તેમને 13 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે, અને હવે તેમના કુલ 422 પોઈન્ટ્સ છે, જે મહેદી હસન મિરાજ કરતા 117 પોઈન્ટ્સ વધુ છે. આ ઉપરાંત, જાડેજા બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચ સ્થાન ઉપર ચડીને 29માં સ્થાને અને બોલરોમાં એક સ્થાન ઉપર ચડીને 14માં સ્થાને પહોંચ્યા છે.
અન્ય ભારતીય ખેલાડીઓમાં, વોશિંગ્ટન સુંદર આઠ સ્થાન ઉપર ચડીને 65માં સ્થાને પહોંચ્યા છે. તેમણે જાડેજા સાથે પાંચમી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરીને મેન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
બેટ્સમેનોમા ઈંગ્લેન્ડના જો રૂૂટ ટોચના બેટ્સમેન છે, જ્યારે ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન બીજા અને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ત્રીજા સ્થાને છે બોલરોમા ચાર વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર જોફ્રા આર્ચર 38 સ્થાન ઉપર ચડીને 63માં સ્થાને પહોંચ્યા છે. ક્રિસ વોક્સ એક સ્થાન ઉપર 23માં સ્થાને છે. ઈંગ્લેન્ડના બેન ડકેટ દસમાં અને જેક ક્રાઉલી 43માં સ્થાને આવ્યા છે.