22 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ટેનિસ સ્ટાર રાફેલ નડાલ સંન્યાસ લેશે
નવેમ્બરમાં ડેવિસ કપ ફાઇનલ છેલ્લી ટૂર્નામેન્ટ હશે
સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સન્યાસની જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના શાનદાર કરિયરમાં 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યાં છે. નડાલની છેલ્લી ટુર્નામેન્ટ નવેમ્બરમાં માલાગામાં યોજાનાર ડેવિસ કપ ફાઇનલ હશે. તેણે આ વર્ષની શરૂૂઆતમાં પેરિસ ઓલિમ્પિક પછી કોઈ મેચ રમી નથી. ડેવિસ કપ ફાઇનલમાં સ્પેનનો સામનો 19થી 21 નવેમ્બર વચ્ચે ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે હશે.
ઈજાના કારણે ગ્રુપ સ્ટેજમાં ભાગ ન લેવાના કારણે નડાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.તેણે એક વીડિયો મેસેજમાં કહ્યું, હું આપને જણાવવા માંગુ છું કે, હું પ્રોફેશનલ ટેનિસમાંથી સન્યાસ લઈ રહ્યો છું. છેલ્લા કેટલાક વર્ષો મારા માટે મુશ્કેલીથી ભરેલા રહ્યા. ખાસ કરીને છેલ્લા બે વર્ષ. સ્પેનના રાફેલ નડાલ મહાન ટેનિસ ખેલાડીમાંથી એક છે. 3 વર્ષની ઉંમરે જ રાફેલે રેકેટ પકડ્યું હતું. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તેણે અંડર 12નો ખિતાબ જીત્યો હતો.
નડાલે પોતાના કરિયરમાં 22 ગ્રાન્ડ સ્લેમ સિંગલ ખિતાબ જીત્યાં છે. 12 વર્ષની ઉંમર સુધી નડાલ ટેનિસ અને ફૂટબોલ બંને રમતા હતા. પરંતુ તેના કાકા કહેતા કે તે ટેનિસમાં જ પોતાનું કરિયર બનાવે. નડાલના કાકાનું નામ ટોની નડાલ હતું. જે એક જાણીતા ફૂટબોલર હતા.
નડાલના નામે સૌથી વધુ 14 ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતવાનો રેકોર્ડ છે. તેના સૌથી મોટા પ્રતિસ્પર્ધી રોજર ફેડરરે તેની આ સિદ્ધિને રમતમાં સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક ગણાવી. નડાલ સિંગલમાં કરિયર ગોલ્ડન સ્લેમ પૂર્ણ કરનાર માત્ર 3માંથી 1 છે. તેણે 2010માં સિંગલ કરિયર ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આવું કરનાર તે ઓપન એરામાં સૌથી ઓછી ઉંમરના ખેલાડી બની ગયા હતા.