ગ્રાઉન્ડમાં ઘુસણખોરી અટકાવવા 140 LRD જવાન બાઉન્ડ્રીએ તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચમા સ્ટેડિયમ હાઉસફૂલ થશે અને મોટી સંખ્યાામં સેલિબ્રિટી પણ હાજર રહેશે. ત્યારે અમદાવાદ પોલીસે IPL ફાઈનલને લઈ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદના નમો સ્ટેડિયમમાં ભૂતકાળમાં મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘુસણ ખોરીની ઘટનાઓ ઘ્યાને લઇ વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે.નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ દરમિયાન ગેલેરીમાંથી કોઈ પ્રેક્ષક કૂદીને મેદાનમાં ન ઘૂસી જાય તે માટે અમદાવાદ પોલીસે ખાસ તૈયારી કરી છે.
IPLની ફાઈનલ મેચ દરમિયાન દોડવામાં ઝડપી હોય તેવા 140 LRD જવાનોની ખાસ પસંદગી કરવામાં આવી છે. આ વખતે સ્ટેડિયમમાં મેચની પીચ અને ગ્રાઉન્ડના બાઉન્ડ્રી પછીના સર્કલ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારબાદ આઠ ફીટની રેલિંગ અને તેના પછી એક લેયર સુરક્ષાકર્મીઓ હશે અને તેના પછી લોકોની વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.મેચ દરમિયાન જો કોઈ પ્રેક્ષક રેલિંગ કૂદી ઘુસવાનો પ્રયત્ન કરશે તો તેને તુરંત જ આગળ વધતો અટકાવી ઝડપી લેવામાં આવશે.
19 નવેમ્બર, 2023ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન પેલેસ્ટાઈનનો એક સમર્થક અચાનક મેદાનમાં ઘુસી ગયો હતો. તે બેટિંગ કરી રહેલા વિરાટ કોહલીને બળજબરીથી ચોંટી પડ્યો હતો. મેચમાં પ્રવેશેલા યુવકે મોઢા પર માસ્ક અને ટી-શર્ટ પર પઆઝાદ પેલેસ્ટાઈનથ લખેલું હતું. તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો.
જો કે ત્યાં હાજર સિક્યોરિટીએ તેને તરત જ પકડી લીધો હતો. તેને પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે અને તેનું નામ જોન છે. તે વિરાટ કોહલીને મળવા માગતો હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત 10 મે, 2024ના રોજ IPL 2024ની ગુજરાત ટાઇટન્સ (GT)એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં એક ફેન મેદાનમાં ઘૂસ્યો અને એમએસ ધોનીના પગે લાગ્યો હતો અને ભેટી પડ્યો હતો.
IPL ફાઈનલ મેચ માટે અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના માટે સ્ટેડિયમની આસપાસ 1100 અને મેદાનની સ્ટેડિયમની અંદર 3000 મળી કુલ 4000 પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત રહેશે. મેદાનની બહાર હોય કે અંદર હોય સંભવિત ઘટનાઓને રોકવા માટે પોલીસે થ્રિ લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોનથી બાજ નજર
ફાઇનલ મેચમાં દેશભરમાંથી લોકો તેમજ ફિલ્મી હસ્તીઓ હાજર રહેવાની શક્યતા છે જેથી પોલીસ થ્રી લેયર બંદોબસ્તનું આયોજન કર્યું છે.જે મુજબ સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા જૂદા જૂદા ચેકિંગ પોઈંટો પરથી લોકોએ પસાર થવું પડશે. આ ઉપરાંત ડ્રોન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ ફરતે પોલીસ ડ્રોન દ્વારા આસપાસના વિસ્તારો અને સ્ટેડિયમમાં નજર રાખવામાં આવશે તેમજ શંકાસ્પદ હિલચાલ ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની કંપનીઓ પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે.બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનોને બંદોબસ્તમાં રહેશે. જેના કારણે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી શકાય.