For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં ટાટાના શોરૂમના મેનેજરે 8 ગ્રાહકના એડવાન્સ બુકિંગ મેળવી 29 લાખનું ફુલેકું ફેરવ્યું

01:06 PM Dec 13, 2023 IST | Sejal barot
જેતપુરમાં ટાટાના શોરૂમના મેનેજરે 8 ગ્રાહકના એડવાન્સ બુકિંગ મેળવી 29 લાખનું ફુલેકું ફેરવ્યું

રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલ ટાટા કંપનીના શોરૂમના મેનેજર તરીકે નોકરી કરતાં શખ્સે નવરાત્રિ પહેલા જુદા જુદા આઠ ગ્રાહકો પાસેથી ટાટા કંપનીની ગાડીના એડવાન્સ બુકીંગના પેટે 29 લાખ મેળવી રકમ કંપનીમાં જમા કરાવવાના બદલે બારોબાર ચાઉ કરી ગયાની અને ગ્રાહકો કારની ડિલેવરી લેવા ગયા ત્યારે પોતાની સાથે ચીટીંગ થયાનો ભાંડો ફુટતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુર તાલુકાના જેપુર મેવાસા ગામે રહેતા ખેડૂત ભુપતભાઈ નાથાભાઈ જેઠવા (ઉ.42)એ વિરપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજી રહેતા પારસ ધીરજલાલ ઠુંમરનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેમના પરિવારને નવરાત્રિ પહેલા નવી ગાડી લેવી હોય જેતપુર ધારેશ્ર્વર મુકામે આવેલ ટાટા કંપનીના શો રૂમે ટાટા કંપનીની પંચ ગાડી જોવા માટે ગયા હતાં. જેની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ તેના મેનેજર પારસ ધીરજલાલ ઠુંમર સાથે વાતચીત કરી હતી.
ત્યારબાદ તા.26-8-2023ના મેનેજર પારસ ઠુંમરનો ફરિયાદીના ભાઈ પર ફોન આવ્યો હતો અને સોમવાર પહેલા ગાડી બુક કરાવશો તો 50 હજારનો ફાયદો થશે તેમ કહેતા ફરિયાદીએ અને તેના ભાઈએ બુકીંગ પેટે 1.99 લાખ જમા કરાવી બીજા નોરતે ગાડીની ડિલેવરી માટેનું કહ્યું હતું. આરોપીએ ગાડીનું બુકીંગ જૂનાગઢના મેઈન શોરૂમેથી આવશે તેવા બહાના બતાવ્યા હતાં.
ત્યારબાદ બીજા નોરતે ફરિયાદી ગાડી લેવા જતાં ‘તમારી ગાડી આઠમા નોરતે આવશે’ તેવું બહાનું કરી ગાડી પેટે 5,51,000નો ચેક અને 3 લાખ મળી કુલ 8,51,000 ચેક પેટે જમા કરાવ્યા હતાં. બાદમાં આઠમાં નોરતે પણ ગાડી મળી ન હતી અને પૂનમના દિવસે તેને અચુક ગાડી મળી જશે તેવા બહાના બતાવ્યા હતાં. ફરિયાદી અને તેનો પરિવાર પૂનમના દિવસે ગાડી લેવા જતાં તેમના નામનું કોઈ જ બુકીંગ જ શોરૂમમાં ન થયું હોવાનું અને મેનેજરે છેતરપીંડી કર્યાનું માલુમ પડયું હતું.
આ બાબતે તપાસ કરતાં આરોપીએ જેતપુર પંથકના મીતલબેન ચીનાભાઈ મકવાણાના નામે ટાટા કંપનીની અલ્ટ્રોઝ ગાડી બુક કરાવી 5,10,000, પંકજ બાબુભાઈ કયાડા પાસેથી એડવાન્સ બુકીંગના નામે 2.51 લાખ, વિશાલ જેન્તીભાઈ ટોપીયા પાસેથી એડવાન્સ બુકીંગના 1.75 લાખ , જીગ્નેશ ગોરધનભાઈ મેસવાણીયા પાસેથી 1 લાખ, ભુપેન્દ્રભાઈ જીણાભાઈ કયાડા પાસેથી 2,51,000, સંદીપ ધીરૂભાઈ મલી પાસેથી 1,51,000, ગૌરવ રાજેશભાઈ ઉઘાડ પાસેથી એડવાન્સ બુકીંગન 2,34,000 અને મહેન્દ્ર કિશોરભાઈ સરધારા પાસેથી ટાટા કંપનીની કાર બુકીંગના નામે 1,90,000નું એડવાન્સ બુકીંગ મેળવી આ તમામ ગ્રાહકોના કુલ 29,11,000 બારોબાર ચાઉ કરી ગયાનું જાણવા મળ્યું હતું.
આ બનાવ અંગે ભોગ બનનાર તમામ ગ્રાહકોએ વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ એમ.જે.પરમાર સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement