કાળજાના કટકાની કાયમી સ્મૃતિ: પુત્રના અસ્થિ સાહીમાં ભેળવી માતાએ હાથ ઉપર ત્રોફાવ્યું ટેટુ
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર માતાનો અનોખો પુત્રપ્રેમ, જીવનભર વહાલસોયો નજર સામે જ રહેશે
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સ્વજનો ગુમાવનાર અનેક પરિવારો હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી, સંતાનો ગુમાવનાર માતા-પિતાની આંખો હજુ પણ સુકાતી નથી અને ભારે નિરાશા સાથે નિસાસા નાખી રહ્યા છે ત્યારે ગેમઝોન દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજભા ચૌહાણ નામના કિશોરની માતાએ પોતાના વહાલસોયા લાડલાની સ્મૃતિ કાયમ પોતાની સાથે જ રહે તે માટે પુત્રના અસ્થિ સાહિમાં ભેળવી હાથ ઉપર જ કાળજાના કટકા જેવા પુત્રનુ ટેટુ ત્રોફાવ્યુ છે અને જીવનભર પુત્રને જીવનભર નજર સામેજ રાખવા પોતાના શરીરને હિસ્સો બનાવી લીધો છે.
શહેરના નિર્મલા રોડ પર રહેતા ચૌહાણ પરિવારનો લાડકવાયો રાજભા ચૌહાણ પરિવારના બાળકો સાથે તારીખ 25 મે, 2024ની સાંજે નાનામવા રોડ પર આવેલ ઝછઙ ગેમઝોનમાં રમવા માટે ગયો હતો. ઘરેથી હસતા મોઢે નીકળેલો રાજભા ચૌહાણ પરત નહીં આવે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. પરંતુ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં રાજભાનું મૃત્યુ નિપજતા પરિવાજનોને તેમના લાડકવાયાના માત્ર અસ્થિ જ હાથમાં આવતા આ અસ્થિ સાથે માતાની વેદના જોવા મળી છે.
રાજભા ચૌહાણની માતા હવે પોતાના લાડકવાયાને હાથ પકડી રમાડી તો નહીં શકે, તેમને ખોળામાં બેસાડી લાડ તો નહીં લડાવી શકે પરંતુ તેમની યાદ કાયમ તેમના હાથમાં સાથે રહે તે માટે ખાસ ટેટૂ તૈયાર કરાવ્યું છે. ટેટૂ તો ઘણા બધા લોકો કરાવતા જ હોય છે, પરંતુ આ ટેટૂ ખાસ એટલા માટે છે કારણ કે, રાજભાના અસ્થિ તેમની માતા ટેટૂ બનાવવા માટે ટેટૂ શોપ પર સાથે લઈ ગયા હતા અને એ અસ્થિને ટેટૂ બનાવવા ઉપયોગમાં લેવાયેલ સાહીમાં મિક્સ કરી ભેળવી દેવામાં આવ્યા હતા અને પછી એ સાહીની મદદથી ટેટૂ આર્ટિસ્ટ દ્વારા રાજભાની તસવીર તેમની માતાના હાથમાં બનાવી દેવામાં આવી છે. ટેટૂ આર્ટિસ્ટે પણ પોતાની લાઈફમાં આ મુજબ ટેટૂ પ્રથમ વખત જ બનાવ્યુ હતુ.
રાજભા ચૌહાણ TRP ગેમ ઝોનમાં તેમના માસા, માસી અને ભાઈ-બહેન સહિત 10 જેટલા લોકો સાથે ફરવા માટે ગયા હતા. પરિવારના અન્ય સભ્યો નીચે રેસ્ટોરન્ટમાં હતા ત્યારે રાજભા ચૌહાણ તેમના પિતરાઈ ભાઈ અને બહેન ઉપરના માળે હતા. તેઓ ઉપરના માળે ટ્રેમ્પોલિંગ ગેમ રમતાં હતાં. અચાનક આગ લાગતાંની સાથે જ રાજભાના મામા અને માસા તુરંત દોડીને ઉપરના માળે પહોંચ્યા હતા. પરંતુ તેઓ પણ ફસાઇ જતા નીચે ઉતરી શક્યા ન હતા અને મોતને ભેટ્યા હતા. રાજભાની સાથે સાથે તેમના મામા ઓમદેવસિંહ ગોહિલ, માસા વિરેન્દ્રસિંહ જાડેજા, માસાનો દીકરો ભાઈ ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, માસાની ભત્રીજી દેવાંશીબા હિતેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા છે.