જસદણના બાખલવડમાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહનચાલકે બાઇકને ઉલાળતા ચાલકનું મોત
જસદણ તાલુકાના બાખલવડ ગામે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને દમ તોડી દેવા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના બાખલવડ ગામે રહેતા મનીષ પરષોત્તમભાઈ ડેરાણી નામનો 30 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને બાખલવડ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગોળાઈમાં અજાણ્યા વાહન ચાલકે મનીષ ડેરાણીના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો મનીષ ડેરાણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મનીષ ડેરાણી બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં બે પુત્રો છે મૃતક યુવાન કમળાપુરથી પોતાની વાડીએ જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં માળીયા મિયાણાના નાનીબરાર ગામે રહેતા મહેશ દુલાભાઈ સોરવડીયા નામનો 38 વર્ષનો યુવાન પાંચ દિવસ પૂર્વે મોરબીના ટીમડી ગામના પાટીયા પાસે ચાલીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશ સોરવડીયાને સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં મહેશ સોરવડીયાને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.