RTO નજીક બાઈક સ્લિપ થતાં નિવૃત્ત પોલીસ કર્મચારીનું મોત
શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક આરટીઓ કચેરી પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા નિવૃત્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આસ્થા વેન્ટીલા સોસાયટી શેરી નં.4માં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી બાલાશંકરભાઈ પરસોત્તમભાઈ દવે (ઉ.78) ગત તા.17/7નાં રોજ પોતાનું બાઈક લઈ ઘરે જતાં હતાં ત્યારે આરટીઓ કચેરી નજીક હાઈ-વે પર બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે 14 દિવસની સારવાર કારગત ન નિવડતાં આજે સવારે હોસ્પિટલના બીછાને તેમણે દમ તોડી દીધો હતો. આ અંગે બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક બાલાશંકરભાઈ અગાઉ અમરેલી તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં હતાં અને હાલ તેઓ નિવૃત્ત થયા બાદ એચ.જે.સ્ટીલની સામે સાગર ચોકમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાં સેવા પુજા કરતાં હતાં. બનાવના દિવસે તેઓ મંદિરેથી ઘરે જતી વેળાએ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.