રાજકોટ જિલ્લામાં 17455 મતદારો વધ્યા, 30 નવા મતદાન મથકનો ઉમેરો કરાયો
મતદારયાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ: 28 મથકના નામ બદલાયા 74ના સ્થળમાં ફેરફાર: 13188ના નામ રદ
રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. ચુંટણીને લઇને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં 17455 જેટલા મતદારો વધ્યા છે અને 30 નવા મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ અંગે જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. જેમાં તાજેતરમાં જ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 17455 જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે. તેમજ વસ્તી અને વ્યવસ્થાની સમીક્ષા કરતા જિલ્લામાં 30 જેટલા નવા મતદાન મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમાં વિધાનસભા સીટી મુજબ વિધાનસભા 68માં ત્રણ, 69 બેઠકમાં 4, 71 બેઠકમાં 19, 72 બેઠકમાં 2, 74 બેઠકમાં 1 અને બેઠક નંબર 75માં એક મથકનો ઉમેરો કરવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી 13188 જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે જે કોઇને કોઇ કારણોસર જિલ્લામાંથી સ્થળાંતર અથવ કોઇ અન્ય વિસંગતતા આપતા મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત 74 જેટલા મતદાનના સ્થળોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જરૂરીયાત જણાતા 28 જેટલા મતદાન મથકના નામમાં બદલાવ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં યોજાનાર સ્થાનીક સ્વરાજયની ચુંટણીની તૈયારી આરંભી દેવામાં આવી છે. અને તમામ તાલુકામાં અધુરી કામગીરીઓ તાકીદે પૂર્ણ કરવા માટે સુચનાઓ આપી દેવામાં આવી છે.