કોઠારિયા ચોકડી પાસે વેઈટરનો ગળું કાપી આપઘાત
રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ આવતી તપસી હોટલના વેઈટરે પોતાના સ્ટાફ રૂમમાં ગળા પર કોઈ તિક્ષ્ણ હથિયારથી ગળુ કાપી આપઘાત કરી લેતાં તેમના લોહી લુહાણ હાલતમાં મૃતદેહને ફોરેન્સી પોસ્ટ મોર્ટમમાં ખસેડાયો છે. બનાવ અંગેની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને તેમના મોબાઈલમાં રહેલા રેકોર્ડિંગની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે યુવાને પત્નીના આડા સંબંધને કારણે બન્ને વચ્ચે માથાકુટ થયા બાદ આ પગલું ભરી લીધું છે. હાલ પોલીસે સચોટ કારણ જાણવા તપાસ જારી રાખી છે.
વધુ વિગતો મુજબ, મુળ નેપાળના વતની અને હાલ ગોંડલ ચોકડીથી કોઠારીયા ચોકડી તરફ જતાં રસ્તા પર આવતી તાપસી હોટલમાં વેઈટર તરીકે કામ કરતાં ધનરાજ મોહનભાઈ સોની નામના 25 વર્ષિય યુવકની તેના જ સ્ટાફ રૂમમાં લોહી લથબથ હાલતમાં લાશ મળી આવતાં ત્યાંનો સ્ટાફ ચોંકી ગયો હતો અને તુરંત આજી ડેમ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે યુવકે કોઈ તિક્ષ્ણ હથિયારથી તેનું ગળુ કાપી આપઘાત કરી લીધો છે. તેમજ સીસીટીવી ફુટેજ જોતાં તેમાં રાત્રિનાં દસેક વાગ્યે પોતે હોટલના રસોડામાંથી તેમના રૂમમાં જતો દેખાયો હતો. તેમના મોબાઈલ કબજે લઈ તપાસ કરતાં તેમની પત્નીને કોઈ શખ્સ સાથે આડા સંબંધ હોવાની ખબર પડતાં બન્ને પતિ પત્ની વચ્ચે માથાકુટ થઈ હતી અને ત્યારબાદ આ પગલું ભરી લીધું હોવાની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે. ધનરાજને સંતાનમાં બે વર્ષનો એક પુત્ર છે તેમજ પોતે બે ભાઈ બે બહેનમાં નાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હોટલમાં સ્ટાફમાં 11 લોકો પણ કામ કરી રહાયાં છે. તે બધાના મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે. ધનરાજ છેલ્લા એકાદ વર્ષથી આ હોટલમાં કામ કરવા આવ્યો હતો. બનાવ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવતાં તેઓ પણ રાજકોટ આવવા રવાના થયા છે. બનાવ શંકાસ્પદ હોય જેથી મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.