સિવિલ હોસ્પિટલમાંથી ચોરી કરેલા બાઇક સાથે ચરાડવાના બે શખ્સો ઝબ્બે
સિવિલ હોસ્પિટલમા વાહન ચોરી બેફામ બન્યા હોય તેમ અવાર-નવાર દર્દીના વાહનો ચોરાઇ જતા હોય સિક્યુરીટી સામે સવાલો ઉભા થયા છે. ત્યારે એક મહિના પૂર્વે સિવિલ હોસ્પિટલમાં પાર્કિગમાંથી ચોરી કરેલા બાઇક સાથે પોલીસે ચરાડવાના બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ બેડી ગામે રહેતો કિશન મનસુખભાઇ કોરડીયા નામનો યુવાન ગત તા.26/11ના રોજ તેના મિત્ર સાથે મિત્રના ભત્રીજાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોય જેથી બંને બાઇક લઇ ખબર કાઢવા આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વોર્ડ નં.10ની સામે પાર્કિગમાં બાઇક મૂકી વોર્ડમાં ગયા હતા. દરમિયાન થોડી વાર પરત આવતા બાઇક ગુમ થયું હોય જેથી કોઇ અજાણ્યો શખ્સ બાઇક ચોરી કરી લઇ ગયો હોવાની પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન પ્રનગર પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયા, પીએસઆઇ બી.વી.ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જામટાવર ચોક પાસેથી ચોરાઉ બાઇક સાથે અનિલ દિલીપ હળવદીયા અને પંક તુલશીભાઇ હળવદીયા (રે.ચરડવા, તા.મોરબી)ને ઝડપી પાડી પૂછપરછ કરતા એકાદ માહિના પહેલા સિવિલ હોસ્પિટલમાંથી બાઇકની ચોરી કાર્યની કબૂલાત આપી હતી.
વધુ તપાસમાં આરોપીઓ હેન્ડલ લોક વગરના બાઇકની ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપી અનિલ પ્રનગર પોલીસ મથકમાં એક ગુનામાં અને આરોપી પંકજ ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.