For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધાપર ચોકડીએ સર્વિસ રોડની જમીન સંપાદિત કરવા અંતે પ્રાંતનું જાહેરનામું

03:38 PM Dec 20, 2023 IST | Sejal barot
માધાપર ચોકડીએ સર્વિસ રોડની જમીન સંપાદિત કરવા અંતે પ્રાંતનું જાહેરનામું

રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે ટ્રાફીકજામની સમસ્યા નિવારવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે અને તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ઓવરબ્રીજની બાજુમાં જામનગર તરફ જવા માટેના સર્વિસ રોડની જમીન સંપાદીત કરવાનું જ ભુલાઈ જતાં અંતે કલેકટર તંત્ર દ્વારા રાજ્ય સરકારના આદેશથી માધાપર ચોકડી ખાતે જમીન સંપાદીત કરવા માટે પ્રાંત અધિકારીએ જાહેરનામું બહાર પાડયું છે.
રાજકોટ શહેરના પ્રાંત અધિકારી નિશાકુમાર ચૌધરીએ આજે જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં માધાપર ચોકડીએ તૈયાર કરવામાં આવેલ ઓવરબ્રીજની બાજુમાં સર્વિસ રોડ શરૂ કરવા માટે 2414 સ્કવેર મીટર જમીન સંપાદીત કરવાની હોય આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
માધાપર ચોકડી ખાતે સર્વિસ રોડ બનાવવા માટે સાત પ્લોટ ધારકો અને એક કોમન પ્લોટ મળી 8 માલિકોને નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. જ્યારે મિલકત ધારકો પાસેથી આખરી નોટિસ ઈસ્યુ કરી વાંંધા, વચકા મંગાવવામાં આવ્યા છે. 30 દિવસનો સમય પુરો થયા બાદ નોટિસનો કોઈ જવાબ નહીં આવે તો કલમ 19 હેઠળ જમીન સંપાદીત કરી સર્વિસ રોડ બનાવવા માટે આર.એન.બી.ને સુપ્રત કરી દેવામાં આવશે.
પ્રાંત અધિકારી દ્વારા મિલકત ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કર્યા બાદ સબ રજિસ્ટાર કચેરી અને નાયબ સ્ટેમ્પ ડયુટી પાસેથી છેલ્લા પાંચ વર્ષના જામનગર રોડ, માધાપર ચોકડી નજીકના જંત્રીના ભાવ અને દસ્તાવેજોની વેલ્યુએશન પણ મંગાવવામાં આવી છે. જેના આધારે જમીનનો ભાવ નક્કી થયા બાદ મિલકત ધારકોને વળતર પેટે પૈસા ચુકવી તેમની પાસેથી સર્વિસ રોડ માટે જમીન સંપાદીત કરવામાં આવશે.
માધાપર ચોકડી ખાતે ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો. લાંબો સમય સુધી ઓવરબ્રીજનું કામ ચાલ્યા બાદ તાજેતરમાં આ ઓવરબ્રીજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ એક તરફના સર્વિસ રોડની જમીન સંપાદીત કરવાની રહી જતાં ઓવરબ્રીજ નીચેથી પસાર થતાં વાહન ચાલકોને હજુ ટ્રાફીક જામની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement