For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં સમાધાન માટે બોલાવી યુવતીને હડધૂત કરી પાંચ શખ્સોએ ધમકી આપી

12:19 PM Dec 20, 2023 IST | Sejal barot
જેતપુરમાં સમાધાન માટે બોલાવી યુવતીને હડધૂત કરી પાંચ શખ્સોએ ધમકી આપી

રાજકોટ જિલ્લાના જેતપુર ભાદરના સામાકાંઠે નરસંગ ટેકરી પાસે રહેતી અનુસુચિત જાતીની યુવતીને સમાધાન માટે બોલાવી પાંચ શખ્સોએ અરજી પાછી ખેંચી લેવાનું કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જેતપુરના ભાદર કાંઠે નરસંગ ટેકરીમાં રહેતી રેખાબેન ઉર્ફે ઢકુબેન લલિતભાઈ વેગડા (ઉ.27) નામની યુવતીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સરફરાજ ખેડારા, રાજન, અલ્તાફ, સમીર ઉર્ફે ભડાકો અને સાહીલના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીએ થોડા સમય પહેલા આરોપી સમીર ઉર્ફે ભડાકાની વિરૂધ્ધ મોબાઈલ ફોન બાબતની પોલીસમાં અરજી કરેલ હોય જે અરજીમાં સમાધાન કરી લેવા માટે ગઈકાલે સાંજે સરફરાજનો ફોન આવ્યો હતો અને ફરિયાદીને નવાગઢ જીઆઈડીસી નજીક ખુલ્લા મેદાનમાં મળવા માટે બોલાવી હતી.
ફરિયાદી યુવતીને સમાધાન માટે બોલાવ્યા બાદ પાંચેય આરોપીઓએ ‘તારા સમાધાન કરવું છે કે નહીં’ તેમ કહી તુકારે બોલાવી ઢીકા પાટુનો માર મારી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ વખતે ફરિયાદીનાં ફૈઈ સહિતના પરિવારજનો આવી જતાં આરોપીઓએ કહેલ કે ‘આજે તો તું બચી ગયેલ છો, હવે મોકો મળશે તો જાનથી મારી નાખીશું.’ તેવી ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતાં.
આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement